Columns

સમયનો બગાડ

એક કોલેજીયન યુવાન નામ રસેશ, તે આખો દિવસ ફોનમાં મસ્ત રહે,મોડી રાત સુધી જાગે.દિવસભર મિત્રો સાથે રખડે.ન ભણવામાં ધ્યાન.ન કોઈ કામમાં મદદ.ન કંઈ શીખવાની ધગશ. બસ, આખો દિવસ રખડપટ્ટી અને સમયની બરબાદી. રસેશને મમ્મી ઘણી વાર ટોકે.ખીજાય પણ તેની પર કોઈ અસર નહિ.કોલેજીયન સ્ટાઈલમાં , ‘કુલ મમ્મી ..બિ ચીલ.’કહીને તે તો રખડવા નીકળી જાય. આમ ને આમ બે વર્ષ વીતી ગયાં.રસેશ સુધરવાને બદલે વધુ ને વધુ બગડતો ગયો. પહેલા વર્ષમાં તો જેમ તેમ પાસ થઈ ગયો હતો. હવે આગળ નાપાસ થશે તો શું થશે તેની મમ્મી પપ્પાને ચિંતા થવા લાગી.

પરીક્ષા નજીક આવી પણ રસેશનું તો ભણવામાં ધ્યાન જ ન હતું.મમ્મીએ ઘણું સમજાવ્યું કે આમ સમય ન બગાડ. ભણવા લાગ, નહિ તો નાપાસ થઈશ અને અંતે તેમ જ થયું. રસેશ બીજા વર્ષમાં નાપાસ થયો.નિરાશ થઈને ભણવાનું છોડવાની વાતો કરવા લાગ્યો.ત્યારે દાદાએ કહ્યું, ‘ભાઈ, તારી મમ્મી તને રોજે રોજ સમજાવતી હતી ,ખીજાતી હતી પણ તું ન સુધર્યો તેનું આ પરિણામ છે અને તેં તારા જીવનની મહામૂલી વસ્તુ બરબાદ કરી છે.’ રસેશ બોલ્યો, ‘દાદા, હું ન ભણ્યો તે મારી ભૂલ થઈ પણ મેં કોઈ મૂલ્યવાન વસ્તુને હાથ પણ લગાડ્યો નથી.’ દાદા બોલ્યા, ‘ભાઈ તું મારી ,તારા પપ્પાની જીવનભરની કમાઈ આપીશ તો તારું આ એક વર્ષ શું, એક પળ પણ પાછી ખરીદી નહિ શકે.તેં મહામૂલ્યવાન સમયનો દુરુપયોગ કર્યો છે.સમય મહામૂલ્યવાન નહિ પણ અમૂલ્ય છે અને તેં રખડવામાં બરબાદ કર્યો છે.’

 રસેશ બોલ્યો, ‘દાદાજી, હવે હું શું કરું ?’દાદાજી બોલ્યા, ‘હવે તું પસ્તાવો કરવા સિવાય કંઈ નહિ કરી શકે.સમય સતત આગળ વધતો રહે છે અને ગયેલો સમય ક્યારેય કોઈ માટે પાછો આવતો નથી.બધાની પાસે સરખો સમય છે અને બધાનો સમય સતત ઘટી રહ્યો છે. ‘આજનો સમય’તારી પાસે આજે અને અત્યારે છે તેનો તું સદુપયોગ નહિ કરે તો કાલે તે તારી પાસે રહેશે નહિ.એટલે એક એક પળનો સારા કાર્યમાં, કૈંક શીખવામાં, કોઈને મદદ કરવામાં, કરવો જોઈએ.તેં સમયનો સતત બગાડ કર્યો છે નકામાં કામોમાં, રખડવામાં, મોબાઈલમાં તેં તારા જીવનનાં અમૂલ્ય વર્ષો બગાડ્યાં. હવે તે વર્ષો તો ગયાં.આજથી સુધરી જા અને એક એક પળનો સારો અને સાચો સદુપયોગ કર.’દાદાએ સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top