Sports

Paralympics 2024: રૂબીના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો, ભારતને 5મો મેડલ મળ્યો

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ત્રીજા દિવસે 5મો મેડલ જીત્યો છે. આ મેડલ ભારતીય પેરા શૂટર રૂબિના ફ્રાન્સિસે જીત્યો છે. રૂબીના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સમાં દેશના શૂટરોના મજબૂત પ્રદર્શનને ચાલુ રાખતા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રૂબીના 8 મહિલાઓની ફાઇનલમાં 211.1ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તે દિવસની શરૂઆતમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી હતી.

શૂટિંગમાં ભારતનો આ ચોથો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં કુલ પાંચમો મેડલ છે. અગાઉ પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં જીતેલા મહિલા 10 મીટર એર રાઇફલ ગોલ્ડ મેડલનો બચાવ કરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો. તમને જણાવી દઈએ કે SH1 કેટેગરીમાં એથ્લેટ્સ કોઈપણ મુશ્કેલી વિના પોતાની બંદૂક પકડી શકે છે અને વ્હીલચેર અથવા ખુરશી પર ઊભા રહીને અથવા બેસીને શૂટ કરી શકે છે.

નોંધનીય છે કે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે બીજા દિવસે 4 મેડલ જીત્યા હતા અને હવે ત્રીજા દિવસે રૂબીનાએ ભારત માટે 5મો મેડલ જીત્યો હતો. મેડલ ટેલીની વાત કરીએ તો ભારત 1 ગોલ્ડ સહિત 5 મેડલ સાથે 19માં સ્થાને છે. ચીન 34 મેડલ સાથે ટોચ પર છે જ્યારે ગ્રેટ બ્રિટન 17 મેડલ સાથે બીજા ક્રમે છે. નેધરલેન્ડ 8 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

Most Popular

To Top