Comments

ટ્રમ્પનો કાર્યકાળ ભુલી જાઓ, બીડેન- હેરિસ વહીવટી તંત્ર અમેરિકાને થાળે પાડશે

જો બધું સમુંસૂતરું ઊતરશે તો તમે આ લેખ વાંચતાં હશો ત્યાં સુધીમાં અમેરિકન પ્રજાનો તો છૂટકારો થઈ ગયો હશે. અમેરિકનોએ મહાપરાણે પોતાની આઝાદી અને લોકતંત્ર બચાવ્યાં છે. ગયા નવેમ્બર મહિનામાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો.

એ પરાજય નિર્ણાયક હતો, પરંતુ જેવો હોવો જોઈએ એવો નહોતો. અમેરિકાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં કુલ સાડા પંદર કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું જેમાંથી ટ્રમ્પને સાડા સાત કરોડ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવાર અને હવે અમેરિકાના ૪૬ મા પ્રમુખ બનેલા જો બાયડનને આઠ કરોડ મત મળ્યા હતા. બે વચ્ચે ફરક માત્ર પચાસ લાખનો હતો.

જે માણસને લાત મારીને તગેડવો જોઈતો હતો એને સાડા સાત કરોડ પોપ્યુલર વોટ મળે? મળે. આજના યુગમાં મળે. માત્ર અમેરિકામાં જ નહીં, જગતમાં એવા અનેક ચૂંટાયેલા નેતાઓ છે જેઓ આવડત વિનાના છે, સરમુખત્યાર છે, આત્મમુગ્ધ છે, મન ફાવે એવા નિર્ણયો લે છે અને સભ્યતાનાં ધારાધોરણોને ગણકારતા નથી. અમેરિકા જેવા લોકતાંત્રિક દેશમાં ૩૦ હજાર વખત અસત્ય કે અર્ધસત્ય બોલવાનો ટ્રમ્પનો રેકોર્ડ છે.

આમ છતાંય પ્રમુખપદની ચૂંટણીમાં પરાજય પછી પરાજય સ્વીકારવાનો ટ્રમ્પે અસ્વીકાર કર્યો ત્યારે તેને ટેકો આપનારા અમેરિકનો મોટી સંખ્યામાં હતા. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટોલ હિલ પર જે ઘટના બની એ તો અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ ઘટના છે. અમેરિકન પ્રમુખ લોકતંત્રના મંદિર ઉપર હુમલો કરનારા સમર્થકોનાં ટોળાને ઉશ્કેરતા હતા, શાબાશી આપતા હતા, તેમની ગુંડાગર્દીને બિરદાવતા હતા અને તેમને દેશભક્તિ તરીકે ઓળખાવતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પમાં દોકડાની આવડત નથી એ તો જગજાહેર છે. તેઓ અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ પ્રમુખ તરીકે ઇતિહાસમાં સ્થાન પામશે. ઈતિહાસ તો તેમને ન્યાય આપવાનો જ છે, પણ વર્તમાનનું શું? ટ્રમ્પ બિરાદરીએ જગત આખાના વર્તમાનને જે રીતે ઉતર્ડ્યો છે એને ફરી સાંધતાં વર્ષો જશે અને એ પણ પૂરેપૂરો સંધાશે કે કેમ એ તો શંકા જ છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે સૌથી મોટી કસોટી રિપબ્લિકન પાર્ટીની થવાની છે. થવાની શું, થઈ રહી છે. એ કસોટી સંયત જમણેરી અમેરિકા અને ઝનૂની જમણેરી અમેરિકા વચ્ચે થવાની છે.

અમેરિકામાં ૧૮૬૧-૧૮૬૫ ના આંતરવિગ્રહ પછીથી જમણેરી રિપબ્લિકન પાર્ટી – જે અમેરિકામાં જીઓપી(ગ્રાંડ ઓલ્ડ પાર્ટી) તરીકે ઓળખાય છે – સંયત જમણેરી માર્ગ અપનાવતી આવી છે. ધર્મનો બચાવ કરે, ખ્રિસ્તી હોવા માટે ગર્વ અનુભવે, વ્હાઈટ ક્રિશ્ચિયન અમેરિકન ફર્સ્ટની વાતો કરે, ગર્ભપાતનો વિરોધ કરે, સમલિંગી લગ્નનો કે સંબંધોનો વિરોધ કરે, થોડો વંશવાદી અભિગમ અપનાવે, વસાહતીઓ વિરોધી નીતિ અપનાવવાની વાતો કરે, ખાનગી નાગરિકના શસ્ત્ર ધરાવવાના અધિકારનો બચાવ કરે વગેરે. આ બધું સંયત સ્વરમાં માપમાં કરવામાં આવે.

આંતરવિગ્રહ પછી તેમને બોધપાઠ મળી ગયો હતો કે બોટલ ખોલીને જીન બહાર કાઢવામાં જોખમ છે. જમણેરી રૂઢિચુસ્ત મતદાતાઓને ભાવે એવી ભાષામાં બોલો પણ ધૂણાવો નહીં. ધૂણાવશો તો પછી ધૂણનારાઓ અંકુશમાં નહીં રહે.

ડોનાલ્ડ ટ્રમ્પે દૂરદર્શિતાનો અભાવ, ગાંડપણ અને સ્વકેન્દ્રી અભિગમથી પ્રેરાઈને જેમાં જીન પૂરવામાં આવ્યો હતો એ બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું. સોશ્યલ મીડિયા તો હાથવગાં હતાં જ એમાં કેન્બ્રીજ એનેલિટીકા જેવા પૈસા ખાતર ભાંગફોડ કરવાનો ધંધો કરનારાઓએ બળતામાં ઘી હોમ્યું. સામે પક્ષે રાજ કરતાં પણ આવડતું નહોતું એટલે ત્યાં પણ ભોપાળું જ હતું.

હવે જીઓપી (રિપબ્લિકન પાર્ટી) સામે પ્રશ્ન છે કે કેપિટોલ હિલનો કબજો કરનારા ઝનૂની અમેરિકનોને ધૂણતા અટકાવવા કઈ રીતે? કે પછી જે માર્ગ ટ્રમ્પે અપનાવ્યો હતો અને જે માર્ગ કેટલાક ઝનૂની શ્વેત ખ્રિસ્તીઓને ગમે છે એને જાળવી રાખવો? મૂળ જગ્યાએ પાછા ફરવું કે પછી રિપબ્લિકન પાર્ટીમાં પેદા થયેલા ન્યુ નોર્મલને નોર્મલ તરીકે સ્વીકારી લેવું?

મૂળ જગ્યા હતી હળવા શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની અને નવી જગ્યા છે ઝનૂની શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની. અત્યારે અમેરિકામાં અને જગતમાં ટ્રમ્પ પછીના અમેરિકા કરતાં ટ્રમ્પ પછીના જીઓપીની ચર્ચા વધુ તીવ્ર રીતે ચાલી રહી છે.

અહીં એક વાત નોંધવી જોઈએ કે જે પડકાર અત્યારે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સામે છે એ પડકાર આવતી કાલે આપણે ત્યાં ભારતીય જનતા પક્ષ સામે પણ પેદા થવાનો છે. હળવા હિન્દુત્વના સ્વસ્થતાના બિંદુ ઉપર પાછા ફરવું મુશ્કેલ બની જશે.

અમેરિકામાં તો વળી રિપબ્લિકન પાર્ટી પાસે સ્વસ્થ અને સંયત રૂઢિચુસ્ત જમણેરી રાજકારણનો વારસો છે અને એ લગભગ દોઢસો વરસ જૂનો છે. એ વારસો પાછા ફરવામાં ઉપયોગી થઈ શકે એમ છે. બીજેપી પાસે એવો કોઈ વારસો પણ નથી. અહીં ભારતીય સામ્યવાદી પક્ષની યાદ આવે છે. ભારતને આઝાદી મળી એ પછી બી. ટી. રણદીવેના નેતૃત્વમાં સામ્યવાદી પક્ષે ભારતના બંધારણ સહિત ભારતીય રાજ્યનો જ સમૂળગો અસ્વીકાર કર્યો અને તેને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ઉથલાવવાની અને રાજ્યનો કબજો કરવાની જાહેરાત કરી.

તેમને એમાં સફળતા તો મળી નહીં, પરંતુ પાંચેક વરસે જ્યારે તેમણે અપનાવેલા માર્ગની અવ્યવહારુતાનું ભાન થયું તો ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું અને હજુ આજે પણ સામ્યવાદી પક્ષો તેની કિંમત ચૂકવી રહ્યા છે. આત્યંતિકતાના કેટલાક તાત્કાલિક લાભ હોય છે તો તેના લાંબા ગાળાનાં નુકસાન પણ હોય છે.

ટૂંકમાં અત્યારે એમ લાગે છે કે ટ્રમ્પ પછીના અમેરિકાને થાળે પડવામાં એટલી મુશ્કેલી નહીં આવે જેટલી ટ્રમ્પ પછીના પક્ષને થાળે પડવામાં મુશ્કેલી આવવાની છે. અમેરિકામાં લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત છે અને ત્યાંના મીડિયા આપણે ત્યાં છે એવા સાવ બીકાઉ ગોદી મીડિયા નથી.

આ ઉપરાંત નવા પ્રમુખ બાયડન અને તેમના ઉપ-પ્રમુખ કમલા હેરીસ સમજદાર અને સ્વસ્થ છે. જો કે તેમણે ઝનૂની જમણેરીઓનો સામનો કરવો પડશે અને એ એટલો આસાન નહીં હોય જેટલો પાછલાં વર્ષોમાં હતો. ધ્યાન રહે, સાડા સાત કરોડ અમેરિકનોની અંદર આજે પણ ટ્રમ્પ બેઠો છે.

            –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top