એક ચિંતકે કહ્યું હતું કે શિક્ષક એવી મીણબત્તી જેવો હોય છે કે જે સ્વયં બળે છે અને બીજાઓના જીવનમાં પ્રકાશ પાથરે છે.તો વળી, સમાજમાં શિક્ષકોના મહત્વ,એમના સ્થાન અને એમની ભૂમિકાના અનેક સંદર્ભો આપી શકાય એમ છે.કોઈ પણ સમાજમાં શિક્ષક આગવું સ્થાન ધરાવે છે.પરંતુ તેની સામે તારીખ અઠ્ઠાવીસમી ઓગસ્ટના ગુજરાતમિત્રના અંકમાં નાનક ભટ્ટના લેખમાં જે વિચારો પ્રસિદ્ધ થયો છે એ એકતરફી અને પૂર્વાગ્રહોયુક્ત જણાય છે.આ લેખ માત્ર શિક્ષકોને પ્રાપ્ત થતી રજાઓ ને જ ફોકસ કરે છે.લેખક ભૂલી ગયા છે કે બાવન રવિવાર બધાને જ મળે છે.નોકરીના કલાકોના નિયમો દરેક પ્રકારના કર્મચારીઓ માટે એમની નોકરીના સ્વરૂપ અનુસાર હોય છે જ.રહી વાત વેકેશનની તો હવે એવી પરિસ્થિતિ છે કે વેકેશનમાં પણ શિક્ષકો કોઈને કોઈ પ્રકારની કામગીરીમાં જોતરાતા જ હોય છે. વળી,શિક્ષકોએ માનસિક શ્રમ કરવાનો હોય છે,જીવંત ઘટકો સાથે કાર્ય કરવાનું હોય છે,વિદ્યાર્થીઓ સાથે સતત રસપ્રદ રીતે આંતર ક્રિયા કરવાની હોય છે અને એના માટે તથા પોતાના વ્યાવસાયિક વિકાસ અને સજજતા વધારવા માટે એમને પૂરતો સ્પેસ મળે એ જરૂરી હોય છે….મોટા ભાગના શિક્ષકો જવાબદારીપૂર્વક જ કાર્ય કરતાં હોય છે તેથી શિક્ષકોને જવાબદારીના પાઠ શીખવવાની જરૂર છે એ શિર્ષક સાથે કોઈ પણ રીતે સંમત થઈ શકાય એમ નથી….લેખકની વાત કેટલાક શિક્ષકો પૂરતી સાચી હોઈ શકે છે પરંતુ એનું સામાન્યીકરણ કરી શકાય એમ નથી….લેખક અયોગ્ય સામાન્યીકરણ સુધી પહોંચી ગયા હોવાનું જણાય છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક યાદગાર, અદભૂત મુલાકાત
1964ની સાલ, ભગિની સમાજ (ઉદવાડા R.S.) ની બહેનોને લઈને ઉત્તરભારતના 22 દિવસના પ્રવાસમાં જવાનું થયેલું. એક સંભારણા જેવો યાદગાર અનુભવ થયેલો. રાષ્ટ્રપતિ ભવનની બહાર સમખાવા પૂરતો માત્ર એક જ પોલિસ! (આજનો બદલાયેલો સંરક્ષણને નામે થતો કરોડોનો ફાલતું ખર્ચ! ક્યાં સરખામણી કરવી!!) તે વખતે રાષ્ટ્રપતિ હતા, એક મહાન શિક્ષકમાંથી મહાન તત્વજ્ઞાની બનેલા, અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ ડો. સર્વપલ્લી, રાધા કૃષ્ણનન. (આ તેજ વ્યક્તિ જેમણે જવાહરલાલને ખખડાવેલા!) ભગિની સમાજની બહેનો સાથે થોડી વાતો કરી અને દક્ષિણ ગુજરાતનો કોઈ એક ગરબો તથા એકાદ ભજન-ભક્તિગીત સાંભળવાની ઈચ્છા પ્રકટ કરેલી. બહેનોએ સરસ રજૂઆત કરી. રાષ્ટ્રપતિ ખુશ થયા. અત્યંક ભાવુક તથા સુંદર માહોલ પ્રકટ થયેલો. અમે બધા પ્રવાસી અત્યંત રાજી થયાં હતાં. ડો. રાધાકૃષ્ણન ખૂબ જ સાદગીપૂર્ણ જીવનમાં માનતા. જેમનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ પોતાના બાહ્ય જીવનમાં સાદગી રાખી શકે તેમજ જેમનું દિલ ને મન ભરેલુ હોય, તેને બાહ્ય આધાર કે આડંબરની જરૂર જ પડતી નથી. આમ આ આખો પ્રસંગ અમારે સૌને માટે એક ‘‘યાદગાર સંભારણું’ બની ગયો હતો. જીવનમાં ક્યારેક માણવા જેવી ખૂબ સરસ પળો આવતી હોય છે. એને જિંદગીનો ‘‘અણમોલ અવસર’’ કહેવાય છે.
ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
