સુરતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના દર્દીઓને લઇને શહેરી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું હતું. કોવિડ હોસ્પિટલમાં દાખલ 7 દર્દીઓના સેમ્પલો લઇને પૂણેની લેબોરટરીમાં મોકલાયા હતા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, દર્દીઓ સાજા થઇને ઘરે ચાલ્યા ગયા છે ત્યારે 20 દિવસે તમામ દર્દીનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.
ડિસેમ્બર મહિનાના અંતમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના લક્ષણો વાળા દર્દીઓ નોંધાયા હતા. જેમાં ક્રિસમસની રજાઓ ગાળવા આવેલી પરિણીતા સહિત તેમના પરિવારજનો યુકેથી સુરત આવ્યા હતા. હજીરા માતા-પિતા અને બહેનને મળવા માટે આવેલી મહિલાને દિલ્હી એરપોર્ટથી સુરત આવવું પડ્યું હતું. અહીં ગત તા. 27મી ડિસેમ્બરના રોજ આરોગ્ય વિભાગે તપાસ કરતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાની સાથે અન્ય બે દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તમામને દાખલ કરીને તેમના રિપોર્ટ પૂણે મોકલાયા હતા.
આ ઉપરાંત કામરેજમાં પણ ઇંગ્લેન્ડથી આવેલા ચાર દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેઓના સેમ્પલો પણ પૂણે મોકલવામાં આવ્યા હતા. કોરોનાના નવા સ્ટ્રેઇનના સાત દર્દીઓને સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 દિવસ ઉપરાંત તમામ દર્દીઓને હોસ્પિટલમાં રખાયા હતા પરંતુ પૂણેથી રિપોર્ટ આવ્યો ન હતો. દરમિયાન સુરતની હોસ્પિટલોએ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યા હતા અને તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યાં પૂણેથી સાતેય દર્દીઓના રિપોર્ટ 20 દિવસે આવ્યા છે. આ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.