ગુજરાતમાં અસના વાવાઝોડાની અસર નહીવત જોવા મળી રહી છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે અસના વાવાઝોડું અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે સાંજ સુધીમાં ગુજરાતના માથેથી વાવાઝોડાની ઘાત ટળે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. જોકે ડીપ ડિપ્રેશનને કારણે કચ્છના માંડવીના દરિયામાં અને ગીર સોમનાથ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે ગીરસોમનાથના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. કચ્છ અને દ્વારકામાં સાંજ સુધી હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે.
અરબી સમુદ્રમાં જોવા મળી રહેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છમાં કેટલાક સ્થળોએ પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો હોવાની પણ જાણકારી મળી છે. કચ્છના માંડવીના દરિયામાં પવનની ગતિમાં વધારો થતો જોવા મળ્યો હતો. કચ્છના કંડલા, મુંદ્રા દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. કચ્છના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
ગીર સોમનાથમાં પણ વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલા દરિયામાં કરંટ જોવા મળતા અહીં 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. દરિયામાં કરંટના કારણે 2 ફિશીંગ બોટ પલટી ગઈ હતી જોકે ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
માંડવીમાં ભારે વરસાદ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં બુધવાર ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું હતું. છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. માંડવીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કલેક્ટર દ્વારા લોકોને કાચા મકાનોમાંથી ખસી જવા અપીલ કરાઈ હતી. આજે પણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.