કોલકાતા રેપ-મર્ડર કેસમાં પીડિતાના ઘરે કરાયેલા કોલનો ઓડિયો સામે આવ્યો છે. આ મુજબ તાલીમાર્થી ડોક્ટરના માતા-પિતાને આરજી કર મેડિકલ કોલેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. 9 ઓગસ્ટની સવારે તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે એક કલાકમાં તેના માતા-પિતાને ત્રણ કોલ કર્યા હતા. આ કોલ્સમાં માતાપિતાને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું.
હોસ્પિટલ દ્વારા માતા-પિતાને કરવામાં આવેલા ફોન કોલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંગાળીમાં છે. જો કે પીડિતાના માતાપિતાએ ઘટનાના બીજા જ દિવસે દાવો કર્યો હતો કે હોસ્પિટલે તેમની પુત્રીની હત્યાને આત્મહત્યા તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના માતાપિતાને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા કોલની ડિટેલ સામે આવી છે.
પ્રથમ કોલ: સહાયક અધિક્ષકે માતાપિતાને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા વિનંતી કરી. કહ્યું- તમારી દીકરીની તબિયત સારી નથી. શું તમે તાત્કાલિક હોસ્પિટલમાં આવી શકો છો? પિતાએ કારણ પૂછ્યું. જવાબ મળ્યો – તમારી દીકરીની હાલત સારી નથી. અમે તેને હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. શું તમે તરત જ આવી શકો છો? પિતાએ ભારપૂર્વક પૂછ્યું – મારી પુત્રીને શું થયું છે? સ્ટાફ મેમ્બરે કહ્યું- જ્યારે તમે અહીં આવો ત્યારે ડોક્ટર તમને કહેશે કે શું થયું છે. તમે કુટુંબ છો તેથી અમે તમારો નંબર શોધી કાઢ્યો અને ફોન કર્યો.
બીજો કોલઃ થોડા સમય પછી પેરેન્ટ્સને બીજો કોલ આવ્યો. હોસ્પિટલના એ જ સ્ટાફ મેમ્બરે પહેલા કરતાં વધુ ગભરાયેલા અવાજમાં કહ્યું – તમારી દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે આવો. પિતાએ ચિંતાથી પૂછ્યું કે શું થયું? તેને જવાબ મળ્યો – ડોક્ટરો તમને કહી શકશે. તમે જલ્દી આવો. પિતાએ પૂછ્યું- કોણ બોલે છે? સ્ટાફ મેમ્બરે જવાબ આપ્યો- હું આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ છું, ડોક્ટર નથી. પિતાએ પૂછ્યું- શું કોઈ ડૉક્ટર હાજર છે જે મારા સવાલોના જવાબ આપી શકે, પરંતુ સ્ટાફ મેમ્બરે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
ત્રીજો કોલ: ત્રીજા અને છેલ્લા કોલમાં સ્ટાફ મેમ્બરે કહ્યું – તમારી પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. તે મૃત્યુ પામી છે. પોલીસ અહીં આવી છે. અમે હોસ્પિટલમાં છીએ, આ કોલ તમને બધાની સામે કરવામાં આવી રહ્યો છે.
પીડિતાના પિતાએ કહ્યું- દીકરી રોજ ડાયરી લખતી હતી
તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના છ દિવસ પછી એક ડાયરી પ્રકાશમાં આવી. આ ડાયરી માત્ર તાલીમાર્થી ડોક્ટરની હતી. ડાયરીમાં પીડિતાએ પોતાની સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ ડાયરીમાં લખેલી વાતો પીડિતાના પિતાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શેર કરી હતી. તેમણે કહ્યું, ‘મારી દીકરી રોજ ડાયરી લખતી હતી. તેમના મૃત્યુના દિવસે એટલે કે આરજી કર મેડિકલ કોલેજમાં નાઈટ શિફ્ટમાં જતા પહેલા તેણે એક ડાયરી લખી હતી. તે એક મહેનતુ છોકરી હતી જેણે પોતાના સપના પૂરા કરવા માટે દરરોજ 10-12 કલાક અભ્યાસ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે મારી દીકરીએ તેની ડાયરીની છેલ્લી વાત કહી હતી કે તે તેના જીવનમાં શું કરવા માંગે છે. તે એમડી કોર્સમાં ગોલ્ડ મેડલિસ્ટ બનવા માંગતી હતી. હવે અમે માત્ર ન્યાયની આશા રાખીએ છીએ.