Comments

દેશની હેપીનેસ ઈન્ડેક્સ વિશે વાત કરવા જેવી છે ખરી?

રાજકીય ક્ષેત્ર થોડુ ડહોળાયેલુ છે.ખાનગી ક્ષેત્રમાંથી સરકારી અધિકારીઓની નિમણૂંક કરવાની દરખાસ્ત બાબતે કેંદ્ર સરકારે પરોઠના પગલા ભરવા પડ્યા છે. આ દરખાસ્તથી કેંદ્ર સરકાર અનામત (રિઝર્વેશન અને ક્વોટા)ની પ્રથાનો છેદ ઉડાવવા માંગે છે તેવો વિપક્ષોએ તો જોરદાર વિરોધ કર્યો છે પણ એનડીએની ગઠબંધન સરકારના સાથી પક્ષોએ પણ તેમા સૂર પૂરાવ્યો છે. એટલે સરકાર બચાવવા માટે મોદી સરકારે નમતુ જોખવુ પડ્યુ છે.

અંદાજપત્રની રજૂઆત વખતે ગયે મહિને પણ સરકારે ચંદ્રાબાબુ અને નીતિશકુમારની આંધ્ર અને બિહાર માટેની વિશેષ માંગણીઓ બાબતે નમતુ જોખવુ પડ્યુ હતુ. ટૂંકમા મોદી સરકાર 3.0 અગાઉની તેની બે ટર્મ જેમ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર નથી; તેના હાથ બંધાયેલા છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ (જેની તારીખો જાહેર કરાઈ છે) અને ત્યારબાદ માથા પર તોળાઈ રહેલ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓના ટાંકણે વિપક્ષોને અને મતદાતાઓને નારાજ કરવાનુ સરકારને પરવડે નહીં તે સ્વાભાવિક છે.

વિશ્વના રાજકારણ-અર્થકારણની વાત કરીએ તો છેલ્લા અઢી વરસથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુધ્ધના અંતના કોઈ ચિહ્નો નજરે પડતા નથી. વડાપ્રધાન મોદીએ ગયે અઠવાડિયે યુક્રેનની શુભેચ્છા મુલાકાત લીધી (એક મહિના પહેલા તેમણે રશિયાની મુલાકાત પણ લીધેલી).આ મુલાકાત દરમ્યાન તેમણે બુધ્ધ અને ગાંધીજીનુ ભારત પ્રશ્નોના નિરાકરણ માટે યુધ્ધમા માનતુ નથી તેવી વાતો કરી. પણ સામ્પ્રત સમયના જટિલ આંતરરાષ્ટ્રિય રાજકારણને લીધે આ યુધ્ધને અટકાવવા માટે સીધો હસ્તક્ષેપ કરવાનુ ઉચિત ગણ્યુ નથી. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે. બંગલાદેશનો આંતરવિગ્રહ શરૂ થયો છે. અમેરિકા નવેમ્બર મહિને પ્રમુખપદની ચૂંટણીનો સામનો કરી રહ્યુ છે. વિશ્વના દેશો અનેક રીતે એકબીજા પર અવલંબિત હોવાને લીધે વિશ્વમા ચાલી રહેલ યુદ્ધો , આંતરવિગ્રહો અને ચૂંટણીઓની આડકતરી અસરમાથી ભારત બચી શકે નહી .

આપણી હોસ્પિટલો અને સરસ્વતીના મંદિરો (શાળાઓ)મા અને કામના સ્થળોએ છાશવારે બેન-દિકરીઓ સાથે કરાતા અણછાજતા વર્તન (વિનયભંગ, જાતીય શોષણ તેમજ બળાત્કાર) અને હત્યાને કારણે ભારત સરકાર અને અનેક રાજ્ય સરકારો વિવાદમા સપડાયેલી છે. આવા કેસોમા પોલીસ સ્ટેશનો ઉપર આરોપી સાથે કરાય તેના કરતા પણ ફરિયાદ કરતી વેળા ફરિયાદી સાથે કરાતો કનિષ્ઠ વ્યવહાર અને આપણા ન્યાયમંદિરોમા વરસોના વરસો સુધી નિકાલ થયા વગર ખડકાતા રહેતા કેસોના ઢગલા આપણા આર્થિક વિકાસની મોટી મોટી વાતોના ગોટલા છોતરા ઉડાડી દે છે. રાષ્ટ્રીય આવકના ઇન્ડેક્સની વાતો કરનાર આપણે દેશના હેપીનેસ ઈન્ડેક્સની વાત કરી શકીએ તેવી સ્થિતિમા છીએ?

આપણા મજબૂત આર્થિક પેરામીટર્સ વૈશ્વિક પડકારો અને જોખમો, વિશ્વના જીઓ –પોલિટિકલ તણાવ અને ખેતીક્ષેત્રના વિકાસ માટે વરસાદ પરની આપણી નિર્ભરતાને કારણે આપણી ક્ષમતા પ્રમાણેનો આર્થિક વિકાસ આપણે કરી શકતા નથી. એટલુ જ નહી, આપણો બીઝનેસ કોન્ફીડન્સ ઈન્ડેક્સનો ગ્રાફ નીચો ઉતરતો જાય છે.તો પણ આપણા ઘણા બધા મજબૂત આર્થિક પેરામીટર્સની નોંધ લેવી પડે તેમ છે.

૧. જૂન ક્વોર્ટરમા સીધા વિદેશી મૂડીરોકાણમા ૨૬ ટકાના વધારા ( છેલ્લા પાંચ ક્વૉર્ટરનો સૌથી મોટો વધારો ) સાથે ૨૨.૪ બિલ્યન ડોલરનુ થયેલ સીધુ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ). ૨. જુલાઈમા ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્ય ૧.૩ કરોડ(૭.૩ ટકાનો વધારો). ૩. રિઝર્વ બેંકના એક અભ્યાસ મુજબ ફીસ્કલ ૨૫મા ૫૪ ટકાના વધારા સાથે ૨.૫ લાખ કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણનો અંદાજ. ૪. ૨૦૨૨-૨૩થી કોર ઇન્ફલેશનમાં સતત ઘટાડો. ખાદ્યચીજોનો ભાવવધારો (હાલમા ઘઉંના ભાવો નવ મહિનાની ટોચ પર ) ડીસઈન્ફલેશનરી મોનેટરી પોલિસી (વ્યાજના ઉંચા દર)ને કારણે કોર ઇન્ફલેશનને ભડકાવી શકતો નથી. ૫. ઓગસ્ટ મહિને ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈનો વધારો ધીમો જણાય છે પણ સેવાના ક્ષેત્રના પીએમઆઈનો વધારો ઝડપી છે. ૬. ભારતનુ વિદેશી હૂંડિયામણ ૬૭૫ બિલ્યન ડોલર (ઓગસ્ટ ૧૬ના અઠવાડિયે ૪.૫ બિલ્યન ડોલરનો વધારો). ૭. ઓગસ્ટ ૯ના પૂરા થયેલ વર્ષ દરમ્યાન બેંક ધિરાણમા ૧૪ ટકાનો વધારો (ડીપોઝીટનો વધારો આ જ સમય દરમ્યાન ૧૧ ટકા).

ચાલુ વરસે ૧૫ બિલ્યન ડોલરનો વિદેશી પોર્ટફોલિઓ મૂડીનો ઇન્ફલો ૨૦૨૪ના ચાલુ વરસે ઓગસ્ટ સુધીમા વિદેશી પોર્ટફોલિઓ મૂડીનો ૧૪.૬ બિલ્યન ડોલરનો ઇન્ફલો (૧૨.૩ બિલ્યન ડોલર દેવાના સાધનોમા અને ૨.૩ બિલ્યન ડોલર ઈક્વિટી (સ્ટોક માર્કેટ)મા. જોકે અમેરિકામા મંદી અને વિશ્વના જીઓ –પોલીટીકલ તણાવને કારણે ઓગષ્ટ મહિને વિદેશી પોર્ટફોલિઓ મૂડી રોકાણકારોએ ૨.૫ બિલ્યન ડોલરનુ ઈક્વિટીમાનુ રોકાણ પાછુ ખેંચ્યુ છે. આર્થિક વિકાસના દરનુ સાતત્ય જાળવવામા નિકાસો મહત્વનો ભાગ ભજવી શકે

વૈશ્વિક સ્લોડાઉન અને વધતા જતા પ્રોટેક્શનિઝમને લીધે ભારતની નિકાસો પર અવળી અસર પડે છે. ભારત ૨૦૪૭ મા વિકસિત દેશ બને એ લક્ષ્યાંકની પૂર્તિ માટે આર્થિક વિકાસના દરનુ સાતત્ય (સાતથી આઠ ટકાનો વાર્ષિક દર) ટકાવી રાખવુ પડે. ખાનગી વપરાશખર્ચ ધાર્યા પ્રમાણમા ન વધતુ હોય ત્યારે લાંબા ગાળામા આર્થિક વિકાસનો દર ટકાવી રાખવા માટે નિકાસો પર આધાર રાખવો પડે .વિશ્વના અનેક દેશો તેમનો વિદેશવેપાર વધારવા માટે રાજકીય સ્થિરતા ,મોટુ બજાર અને મજબૂત આર્થિક પેરામીટર્સને કારણે ભારતની પસંદગી કરે છે. જે ભારત અને જે– તે દેશો માટે વીન વીન સિચ્યુએશન જેવુ ગણાય .આવા દેશોમા ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયનના દેશો ,આસિયાન (સાઉથ– ઇસ્ટ એશિયાના દેશો), પેરુ, યુકે વગેરેનો સમાવેશ થાય છે.

આ બધા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) ફાઇનલ કરવા માટેનુ સમયપત્રક બની ગયુ છે. આવા એફટીએને કારણે ભારતમા થતા સીધા વિદેશી મૂડીરોકાણને પણ પ્રોત્સાહન મળે છે. જોકે આવા એફટીએ માટેની મંત્રણાઓ થાય ત્યારે યુકે જેવા દેશો આપણા ટેલિકોમ ફાઇનાન્સ અને કાયદા જેવા સેવાના ક્ષેત્રો તેમના નાગરિકો માટે ખોલવાની રજૂઆત પણ ભારપૂર્વક કરે છે. બાંગ્લાદેશના વેપારના ભાગીદાર દેશો ત્યાની કટોકટીને લીધે તેની સાથે ટેક્સટાઇલ્સનો વેપાર ઓછો કરવાનુ પસંદ કરે તેનો ફાયદો પણ ભારતને મળી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top