Comments

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી: શક્યતાઓ અને આશ્ચર્ય

જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની વાત હોય ત્યારે તેને સમજવી ક્યારેય સરળ નથી રહેતી. વધુ તો જ્યારે થોડા સમય પહેલા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં એક દાયકાના અંતરાલ પછી બંધારણીય ફેરફારો પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હોય. આ બદલાવે માત્ર ભૌગોલિક રીતે જ નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરી છે, કારણે બે પ્રદેશો, જમ્મુ અને કાશ્મીરના લોકો હજુ પણ નવી વ્યવસ્થા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ત્રણ તબક્કાના ચૂંટણી શેડ્યૂલ સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને અનુરૂપ છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરના રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવા પડકારતી અરજીઓના જવાબમાં, 5 ઓગસ્ટ 2019 ના રોજ સર્વોચ્ચ અદાલતે 30 સપ્ટેમ્બર, 2024 પહેલાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો. અને ‘શક્ય તેટલી વહેલી તકે’ રાજ્યનો દરજ્જો પાછો આપવા કહ્યું હતું. વ્યૂહાત્મક અને સંવેદનશીલ જમ્મુ અને કાશ્મીરની પાછલી દરેક ચૂંટણીના ઇતિહાસને જોતાં ત્યાં વિવિધ સંભાવનાઓની આશંકા હોય છે. અને વર્તમાન વિધાનસભાની ચૂંટણી પણ તેનાથી અલગ નથી. તે પહેલાં ક્યારેય નહોતા એટલા આશ્ચર્યથી ભરેલી છે.

સ્પષ્ટ છે કે બધું ધ્યાન કાશ્મીરના ખીણ વિસ્તારમાં છે જે ત્રણ દાયકાના આતંકવાદમાંથી બહાર નીકળી સામાન્ય સ્થિતિમાં આવ્યું છે. જો કે, જમ્મુ ક્ષેત્રના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદની નવી ગતિએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા માટે નવો પડકાર ઉભો કર્યો છે.

ગઠબંધન કેવી રીતે ઘડવામાં આવે છે અને જમીન પર કેવી રીતે કામ કરે છે? ત્યાં કેટલાક ખુલ્લા ગઠબંધનો છે અને કેટલાક ગૂંચવાયેલા હશે.આ દિશામાં પહેલું મહત્ત્વનું પગલું કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને સી.પી.એમ વચ્ચે ગઠબંધનની ઘોષણા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કેન્દ્રશાસિત પ્રદેશની ઓચિંતી મુલાકાત બાદ તેની રચના કરવામાં આવી હતી. કાગળ પર તે ઈન્ડિયા બ્લોક ગઠબંધન છે. વાસ્તવમાં, એવું નથી કારણ કે મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની અન્ય મહત્ત્વની વિપક્ષી સંયુક્ત ભાગીદાર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને બહાર રાખવામાં આવી છે.

સ્થાનિક હરીફાઈ અને રાજકીય મજબૂરીઓના કારણે જ ડો.અબ્દુલ્લાએ પીડીપીને બહાર રાખવા કોંગ્રેસને સમજાવવામાં સફળ થયા. કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સનું પ્રભુત્વ હોવાનો અને જમ્મુ પ્રદેશમાં પણ તેમના પ્રભાવનો તેમણે ફાયદો ઉઠાવ્યો છે જ્યાં છેલ્લા એક દાયકાથી ભાજપનો સંપૂર્ણ દબદબો છે. આદર્શ રીતે કહીએ તો એક મજબૂત અને સંયુક્ત ઈન્ડિયા બ્લોક ભાજપની શક્તિને પડકારવા માટે વધુ સારી સ્થિતિમાં હોવો જોઈએ, ભાજપ માત્ર જમ્મુમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો નથી, પરંતુ પક્ષની હાજરી બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નવા રસ્તાઓ પણ શોધી રહ્યો છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કાશ્મીરમાં તે માત્ર પ્રતીકાત્મક રીતે અસ્તિત્વ ધરાવે છે.

એકતાના સંબંધમાં ડૉ. અબ્દુલ્લા અને કૉંગ્રેસના નેતૃત્વને એ હકીકત દ્વારા આગળ વધવા જોઈએ કે ડો. અબ્દુલ્લાના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને જેલમાં બંધ અલગતાવાદી એન્જિનિયર રશીદે સહેલાઈથી હરાવ્યા હતા, જે ખીણમાં એક નવી રાજકીય શક્તિ તરીકે ઉભરી રહ્યાં છે અને બીજી હકીકીત છે કે કોંગ્રેસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ અને કેટલાક સ્થાનિક પરિબળો દ્વારા બનાવવામાં આવેલ સાનુકૂળ વાતાવરણ છતાં જમ્મુ પ્રદેશની બંને બેઠકો ગુમાવી દીધી હતી. 2019ની લોકસભા ચૂંટણી કરતાં વધુ મતો મેળવવા છતાં.

જમ્મુ અને કાશ્મીરની તમામ ચૂંટણીઓ પ્રાદેશિક પરિમાણો પર ભાર રાખે છે અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીઓ તેનાથી અલગ નથી. તે બીજી બાબત છે કે આ પ્રાદેશિક રેખાઓ 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કર્યા પછી કંઈક અંશે અસ્પષ્ટ થઈ ગઈ છે અને રાજ્યનો દરજ્જો પાછો આપવા, જમીન અને રોજગાર અધિકારોનું રક્ષણ અને રોજગારીથી સંબંધિત બાબતો પર કેટલાક મુદ્દાઓ પર સંમતિ છે.

જમ્મુ પ્રદેશમાં યુદ્ધરેખા સ્પષ્ટ છે, જે હિંદુ બહુમતી હોવા છતાં, પરંતુ વસ્તીના વિજાતીય મિશ્રણ સાથે, ભાજપ વિરુદ્ધ ઈન્ડિયાની સંયુક્ત હરીફાઈ છે. કોંગ્રેસ સંગઠનાત્મક રીતે નબળી હોવા છતાં અને નવા અને વિશ્વસનીય ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે અને જૂના વરિષ્ઠ નેતાઓનો દબદબો છોડાવવા માટે સંઘર્ષ કરી રહી હોવા છતાં, પ્રબળ ભાગીદાર છે.એન્જિનિયર રશીદની ઘટના, એક આશ્ચર્યજનક પગલાંમાં તે તિહાર જેલમાંથી બારામુલ્લા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં સફળ રહ્યો હતો, જેણે યુવાનોમાં જાહેર સહાનુભૂતિ જગાવી હતી અને ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા, આ ઘટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર છે. રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં સ્થાનિક મુદ્દાઓ પર વધુ લડવામાં આવતી વિધાનસભાની ચૂંટણીમાં આ ઘટના ફરી બનશે?

આ દિશામાં પહેલાથી જ ગતિવિધિઓ ચાલી રહી છે. એન્જિનિયર રશીદની નવી અવામી ઇત્તેહાદ પાર્ટીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી પહેલાથી જ બહાર પાડી છે, જેમાં ઉત્તર કાશ્મીર સિવાય ખીણના અન્ય ભાગોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે જે તેનું વતન છે અને તેમાં તેનો વિધાનસભા વિસ્તાર પણ છે. આ સ્પષ્ટ સંકેત છે કે તેમના સમર્થકો લોકસભામાં અભૂતપૂર્વ વિજય નોંધાવ્યા પછી આ મહત્વના વિસ્તાર પર નજર રાખી રહ્યા છે.

અન્ય નોંધપાત્ર ઘટનાક્રમ અને જે કાશ્મીર ખીણમાં ડો. અબ્દુલ્લાનું પ્રભુત્વ ધરાવતા વિપક્ષો સામે એક મોટો પડકાર ઉભો કરવાની ક્ષમતા ધરાવે છે, તે અલગતાવાદી અને કટ્ટરવાદી જમાત-એ-ઈસ્લામી ચૂંટણી મેદાનમાં ઉતરવાની સંભાવના છે. જમાતના સંગઠનાત્મક કાર્યની દેખરેખ રાખતી આઠ સભ્યોની સમિતિના અધ્યક્ષ ગુલામ કાદિર લોને ચૂંટણી મેદાનમાં ઉતરવાની સંગઠનની ઈચ્છા જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે એન્જીનિયર રશીદ અનલૉફુલ એક્ટીવીટી (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરીને જેલમાં છે, ત્યારે જમાત ઇસ્લામી પર પણ કેન્દ્ર દ્વારા 2019માં સમાન કડક કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જમાત પર પ્રતિબંધ કથિત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે હતો.

વિધાનસભાની ચૂંટણી લડી રહેલા અલગતાવાદી સંગઠનને પ્રતિબંધ હટાવવાની સાથે તેના કેટલાક જેલમાં બંધ નેતાઓને પણ મુક્ત કરવામાં આવશે. એન્જીનિયર રશીદનો કેસ પણ એવું જ થશે જેણે દિલ્હીની કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી દીધી છે. તે સ્પષ્ટ છે કે દિલ્હીમાં શાસક વહીવટની મદદ વિના તે થઈ શકે નહીં. એક રાજકીય પક્ષ તરીકે કટ્ટર ‘રાષ્ટ્રવાદી એજન્ડા’ને આગળ વધારતા, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને ભાજપ ચૂંટણી સંચાલનના આ સમગ્ર ક્રમમાં કેવી રીતે જોવામાં આવશે? જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top