સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. શુક્રવાર બાદ આજે શનિવારે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 23 તારીખથી અઠવાડિયા સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ અગાઉ શુક્રવારે સૌથી ઓછો ૩ મીલીમીટર મહુવા તાલુકામાં અને સૌથી વધારે મીમી ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં શુક્રવારે ઓલપાડ તાલુકામાં ૧૦ મીમી, માંગરોળમાં 23, ઉમરપાડામાં 61, માંડવીમાં ૨, કામરેજમાં 35, સુરત શહેરમાં 24, ચોર્યાસી તાલુકામાં ૫, પલસાણામાં 25, બારડોલીમાં 12 અને મહુવા તાલુકામાં ૩ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. આગામી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઉકાઈ ડેમમાંથી 75 હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ગોપાલખેડામાં તો પોણા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી. જેને કારણે ડેમમાંથી આઠ ગેટ 4 ફૂટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.
હવામાન વિભાગે મધ્યપ્રદેશ ઉપર 23 તારીખથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. જેને કારણે ઉકાઈ ડેમમાં પાણીની મોટી આવક શરૂ થઈ હતી. હથનુર ડેમની સપાટી 210.290 મીટર નોંધાવાની સાથે હથનુર ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
આ સિવાય પ્રકાશામાથી પણ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમનો રૂલ લેવલ હાલ ૩૩૫ ફૂટ છે. પરંતુ ઉકાઈ ડેમમાં ૭૫ હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થતાં રૂલ લેવલ પાર કરી સપાટી 335.05 ફૂટે પહોંચી હતી. જેને પગલે ઉકાઈ ડેમના સત્તાધીશોએ તાત્કાલિક 75 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. હાલ ડેમના ૮ ગેટ ૪ ફુટ ખોલી દેવાયા છે.
ઉપરવાસનો વરસાદ (મીમી)
ચિકલધરા 56, લખપુરી 32, કુરાનખેડા 40, ગોપાલખેડા 167, અકોલા 47, લુહારા 27, એરલી 50, તલસવાડા 63, હથનુર 28, ભુસાવલ 56, પીપળી 32, ગીરના 92,, ધુલિયા 49,, સિંદખેડા 40, સાઈગાવ 34, ચાંદપુર 51, ખેતીયા 21, ઉકાઈ 37