સાપુતારા : પૈસા કાયદાનાં અમલની માંગ સાથેની રસ્તા રોકો આંદોલનમાં મહારાષ્ટ્રમાં નાસિક શિરડી દર્શને ગયેલા 33 ગુજરાતી મુસાફરોને સાપુતારા પોલીસની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. પોલીસે 11 બાળકો અને 22 સ્ત્રી પુરુષને જંગલની કેડી પરથી ચાલીને રાત્રીનાં અંધારામાં 5 કિમિનાં અંતરે સાપુતારા ખાતે લાવી ચા નાસ્તો કરાવી ઘરે પહોચાડ્યા હતા.
- સાપુતારા પોલીસે સાદા ગણવેશમાં 11 બાળકો અને 22 સ્ત્રી પુરુષને જંગલમાંથી 5 કિમી ચાલી ઉગાર્યા
- ચક્કાજામનાં પગલે તંગદિલીનું વાતાવરણ સર્જાવાની શકયતા વચ્ચે જીવને જોખમમાં મૂકી પોલીસે 33 પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને ગુજરાતી પ્રવાસીઓ આંદોલનને પગલે બોરગાવ નજીક ફસાયા હોવાનો કોલ આવતા તેઓએ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. નિખિલભાઈ ભોયાને સૂચનાઓ આપી હતી. જેથી સાપુતારા પી.આઈ.નિખિલભાઈ ભોયા અને પોલીસ કર્મીઓની ટીમે મળસ્કે 3 વાગ્યાના અરસામાં સાદા ગણવેશમાં જઈ ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક સાધ્યો હતો. અને રૂબરૂ મળી પરિસ્થિતિનો તાગ મેળવી અહીથી 11 બાળકો અને 22 સ્ત્રી પુરુષને જંગલની કેડી પરથી ચાલીને રાત્રીનાં અંધારામાં 5 કિમિનાં અંતરે સાપુતારા ખાતે લાવી ચા નાસ્તો કરાવી ઘરે પહોચાડ્યા હતા.
ચક્કાજામ અને રસ્તા રોકો આંદોલનનાં પગલે તંગદિલીનું વાતાવરણ સર્જાવાની શકયતા રહેલી છે. તેમ છતા રાત્રિનાં અરસામાં જીવને જોખમમાં મૂકી પી.આઈ. એન.ઝેડ.ભોયા તથા પોલીસ કર્મીઓની ટીમે અંધકારને ચીરી કુનેહપૂર્વક અને સહીસલામત રીતે ફસાયેલા 33 જેટલા પ્રવાસીઓને હેમખેમ રીતે બહાર કાઢી ગંતવ્ય સુધી પહોચાડતા સાપુતારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી.