લોકશાહી શાસન પ્રણાલીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જરૂરી છે પણ એ એવો વિરોધ પક્ષ હોવો જોઈએ, જે સરકારનાં ખોટાં પગલાંનો વિરોધ કરે અને પ્રજાહિતમાં સારાં પગલાં લેવાયાં હોય તો તેને આવકારે અથવા તેવાં પગલાંનો વિરોધ ન કરે. અત્યારે દેશમાં બે જ રાષ્ટ્રીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે.
ભાજપ અને કોંગ્રેસ. તેમાં પણ કોંગ્રેસ યોગ્ય માર્ગદર્શનના અભાવે તથા અંદરોઅંદરના અસંતોષને કારણે ક્ષીણ થતી જાય છે.બીજા બધા પ્રાદેશિક પક્ષો છે. પરિણામ એ આવ્યું છે કે સરકારનાં કોઈ પણ પગલાં સારાં કે ખરાબનો માત્ર અને માત્ર વિરોધ જ કરવામાં આવે છે. એવું બિલકુલ નથી કે મોદી સરકાર જે કંઈ કરે છે તે બધું જ સારું છે, પણ એનો મતલબ એવો પણ નથી કે મોદી સરકાર બધા જ નિર્ણયો ખોટા લે છે.
ઉપર જણાવ્યું તેમ કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષો મોદી સરકારના કોઈ પણ પગલાંનો વિરોધ જ કરે છે અને તેથી દેશ એક પ્રકારની અસમંજસભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એવું નથી લાગતું? જો દેશને આવી દ્વિધાભરી સ્થિતિમાંથી બહાર કાઢવો હોય તો સરકાર વિરોધીઓએ પોતાનું વલણ બદલવું પડશે.
સુરત -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.