Comments

લોકોની બદલાતી વિચારધારાને કારણે નેતાઓની મૂર્તિઓના હાલહવાલ થાય છે

‘‘પિપળ પાન ખરંતાં હસતી કૂંપળિયા; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા.’’ ગુજરાતી ભાષાની આ કહેવત વિશ્વના ઘણા મહાન કહેવાતા નેતાઓને લાગુ પડે છે. દુનિયાનો ઇતિહાસ જેમ બદલાય છે, તેમ લોકોનું માનસ પણ બદલાય છે. વર્ષ ૧૯૭૨માં જ્યારે બાંગ્લા દેશ સ્વતંત્ર થયો ત્યારે ઠેકઠેકાણે તેના રાષ્ટ્રપિતા ગણાતા શેખ મુજીબુર રહેમાનની મૂર્તિઓ ઊભી કરવામાં આવી હતી. હવે બાંગ્લા દેશમાં વિપ્લવ થયો છે અને શેખ મુજીબુરની પુત્રી શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવી છે ત્યારે આખા બાંગ્લા દેશમાં શેખ મુજીબુરની મૂર્તિઓ તોડવાનો પવન ફૂંકાયો છે. હથોડા દ્વારા અને જેસીબી મશીનો દ્વારા આંદોલનકારીઓ શેખ મુજીબુરની મૂર્તિઓ તોડી રહ્યાં છે તે જોઈને લાગ્યા વિના રહેતું નથી કે આ દુનિયામાં કાંઈ પણ શાશ્વત નથી. કદાચ આવતી કાલે ભારતમાં ગાંધીજીની મૂર્તિઓના આવા હાલ થાય તો પણ નવાઈ નહીં લાગે.

આ દુનિયામાં પહેલી વાર નથી બન્યું કે લોકોએ એવા નેતાઓની પ્રતિમાઓને નિશાન બનાવી હોય જેમને તેઓ એક સમયે પૂજતા હતા. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે દિલ્હીમાં ઘણી જગ્યાએ બ્રિટિશ શાસન સાથે જોડાયેલાં લોકોની મૂર્તિઓ હતી. તેમાંથી કેટલીક પ્રતિમાઓને બ્રિટન પરત મોકલવામાં આવી હતી અને કેટલીકને ઉત્તર દિલ્હીના કોરોનેશન પાર્કમાં શિફ્ટ કરવામાં આવી હતી. દૂર કરવામાં આવેલી પ્રતિમાઓમાં સૌથી વધુ જાણીતી ઇન્ડિયા ગેટ પર જ્યોર્જ પાંચમની ૭૦ ફૂટ ઊંચી પ્રતિમા હતી.

૧૯૬૮ સુધી આ પ્રતિમા તેના પહેલાંના સ્થાને હાજર રહી હતી, પરંતુ પછી એવું માનવામાં આવતું હતું કે પ્રતિમાને દિલ્હીમાં આટલા અગ્રણી સ્થાન પર રહેવાનું કોઈ કારણ નથી. પ્રતિમાને નષ્ટ કરવામાં આવી ન હતી પરંતુ ૧૯૧૧માં તેમણે જ્યાં દિલ્હી દરબારમાં હાજરી આપી હતી તે જગ્યાએ રાખવામાં આવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા વર્ષ ૨૦૨૨માં ઈન્ડિયા ગેટ પાસે સ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં એક સમયે પંચમ જ્યોર્જની પ્રતિમા ઊભી હતી. મુંબઈ શહેરમાં જૂના જમાનામાં જેટલાં પણ અંગ્રેજ ઓફિસરોનાં પૂતળાંઓ હતાં તેમને ભારતની આઝાદી પછી ગોડાઉનમાં પધરાવી દેવામાં આવ્યાં હતાં.

અમેરિકાના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિટનના રાજા જ્યોર્જ ત્રીજાની લોખંડી પ્રતિમાને પણ તોડી પાડવામાં આવી હતી. સ્વતંત્રતા માટે લડતાં અમેરિકનો તેને બ્રિટિશરોના જુલમનું પ્રતીક માનતા હતા. બાદમાં આ પ્રતિમાને ઓગાળીને તેમાંથી ૪૨,૦૦૦ ગોળીઓ બનાવવામાં આવી હતી અને તેનો ઉપયોગ બ્રિટિશ સૈનિકો સામે કરવામાં આવ્યો હતો. તે પ્રતિમાના કેટલાક ભાગોને બચાવવા માટે બ્રિટનને વફાદાર લોકોએ તેને જમીનમાં દાટી દીધી હતી.

આજે પણ તે પ્રતિમાના કેટલાક અવશેષો ક્યારેક ખોદકામ દરમિયાન બહાર આવે છે. ૧૯૪૫માં જ્યારે ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીનું પતન થયું ત્યારે તેને, તેના કેટલાક સમર્થકોને અને તેની ગર્લફ્રેન્ડ ક્લેરા પિટ્ટાકીને ગોળી મારી દેવામાં આવી હતી. તેના મૃતદેહને એક વાનમાં મૂકીને મિલાન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને થાંભલા પરથી ઊંધો લટકાવી દેવામાં આવ્યો હતો. આ પછી કેટલાક મહિનાઓ સુધી ઈટાલીમાં મુસોલિની અને સરમુખત્યારશાહીનાં પ્રતીક સમાન સ્મારકો, ઇમારતો અને મૂર્તિઓને તોડવાનું ચાલુ રહ્યું હતું.

ઇરાકમાં કોઈ સમયે સદ્દામ હુસૈન ભગવાનની જેમ પૂજાતા હતા. ૨૦૦૩માં જ્યારે અમેરિકન ટેન્કો બગદાદમાં પ્રવેશી અને સદ્દામ હુસૈનની સરકારને સત્તા પરથી હટાવી ત્યારે ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ઈરાકીઓએ ફિરદૌસ સ્ક્વેરમાં સદ્દામ હુસૈનની મોટી પ્રતિમાને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તેઓ આમાં સફળ ન થયા તો ત્યાં પહોંચેલા અમેરિકન સૈનિકોએ તેમની મદદ કરી હતી. સદ્દામની આ ૧૨ મીટર ઊંચી પ્રતિમા એપ્રિલ ૨૦૦૨માં બનાવવામાં આવી હતી. અમેરિકન સૈનિકોએ સદ્દામના પૂતળાના ગળામાં લોખંડની સાંકળ બાંધી હતી અને તેને સશસ્ત્ર વાહન વડે ખેંચી હતી.

 પ્રતિમા પડતાંની સાથે જ ઇરાકી લોકોએ તેના ટુકડાઓ એકઠા કર્યા હતા અને બગદાદની શેરીઓમાં પરેડ કરી તેમને જૂતાં માર્યા હતા. આ દૃશ્ય વિશ્વની તમામ ટી.વી. ચેનલો પર લાઈવ બતાવવામાં આવ્યું હતું. તેને સદ્દામ હુસૈનની સત્તાના અંતના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આની સરખામણી ૧૯૫૬માં હંગેરીમાં ક્રાંતિના પ્રયાસ સાથે કરવામાં આવી હતી, જ્યારે ત્યાં સ્ટાલિનની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

કર્નલ ગદ્દાફી લિબિયાના સરમુખત્યાર હતા તો પણ બહુ લોકપ્રિય હતા. ૨૦૧૧માં કર્નલ ગદ્દાફી વિરુદ્ધ બળવા દરમિયાન લોકોએ ત્રિપોલીમાં બાબ અલ-અઝીઝિયા કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો, ગદ્દાફીની પ્રતિમાનું માથું તોડી નાખ્યું અને તેને પગથી કચડી નાખ્યું હતું. ૨૩ ઓગસ્ટના રોજ કમ્પાઉન્ડના રક્ષકોએ બળવાખોરોને આત્મસમર્પણ કર્યું હતું. ગદ્દાફીના માર્યા ગયા પછી આ કમ્પાઉન્ડ એક પર્યટન સ્થળ બની ગયું હતું અને હજારો લોકો તેને જોવા માટે આવવા લાગ્યાં હતાં.

યુક્રેન જ્યારે સોવિયેટ રશિયાનો ભાગ હતો ત્યારે ત્યાં ઠેકઠકાણે રશિયાના સામ્યવાદી નેતા લેનિનની પ્રતિમાઓ લગાવવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકામાં સોવિયેટ સંઘનું વિસર્જન થયું તે પછી યુક્રેન સ્વતંત્ર દેશ બની ગયો હતો. હવે તેને લેનિન માટે કોઈ રાગ નહોતો. આ કારણે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ યુક્રેનના ખાર્કિવમાં લગભગ પાંચ હજાર વિરોધીઓએ ભેગાં થઈને રશિયન ક્રાંતિકારી નેતા વ્લાદિમીર લેનિનની પ્રતિમાને હથોડા વડે જમીન પર તોડી નાખી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ પ્રતિમા ૧૯૬૩માં બનાવવામાં આવી હતી અને તેને એલેક્ઝાંડર સિદોરેન્કોએ ડિઝાઇન કરી હતી. પ્રતિમાને તોડી પાડવામાં આવ્યા પછી લોકોએ તેના ટુકડાને સંભારણાં તરીકે એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં તેમણે યુક્રેનનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી દેશભરમાં લેનિનની મૂર્તિઓને તોડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

એ જ રીતે, ૧૯૯૧ માં રશિયામાં રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવને હાંકી કાઢવાના નિષ્ફળ પ્રયાસ પછી સોવિયેત યુનિયનની પ્રથમ ગુપ્ત પોલીસ ચેકાના સ્થાપક ફેલિક્સ ડીઝરઝિન્સકીની પ્રતિમાને મોસ્કોના લુબ્યાન્કા સ્ક્વેરમાંથી હટાવી દેવામાં આવી હતી. KGBનું જૂનું નામ ચેકા હતું અને તેના પર હજારો લોકોનાં અપહરણ, ત્રાસ અને હત્યાનો આરોપ હતો. ૨૨ ઓગસ્ટ, ૧૯૯૧ની સાંજે હજારો લોકો લુબ્યાન્કા સ્ક્વેર પર કેજીબી બિલ્ડિંગની સામે એકઠાં થયાં હતાં. તેઓએ ડીઝરઝિન્સ્કીની પ્રતિમા પર કિલર શબ્દ લખ્યો હતો. તેઓ મૂર્તિ પર ચઢી ગયાં હતાં અને તેને દોરડાથી બાંધી દીધી હતી. તેમનો ઈરાદો તેને ટ્રકમાંથી ખેંચીને નીચે પાડવાનો હતો. પરંતુ આનાથી મેટ્રો સ્ટેશન બિલ્ડીંગ માટે ખતરો ઊભો થયો હતો. ત્યાર બાદ મોસ્કો સિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ સર્ગેઈ સ્ટેનકેવિચે ભીડને સંબોધતાં કહ્યું કે તેઓ પોતે પ્રતિમાને હટાવવાનું કામ કરશે. ત્યાર પછી આ પ્રતિમાને ત્યાંથી ક્રેનની મદદથી હટાવીને ફોલન મોન્યુમેન્ટ પાર્કમાં રાખવામાં આવી હતી.

૧૯૭૧માં જ્યારે હૈતીના સરમુખત્યાર ફ્રાન્કોઈસ ડુવાલિયરનું અવસાન થયું ત્યારે તેને કાળો કોટ પહેરીને કાચની ટોચની શબપેટીમાં દફનાવવામાં આવ્યો હતો. તેના મૃતદેહને પ્રથમ રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો અને પછી તેના પુત્ર દ્વારા બનાવવામાં આવેલા ગ્રાન્ડિઓઝ મ્યુઝિયમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.  ૧૯૮૬માં જ્યારે તેના ઉત્તરાધિકારી બનેલા પુત્રને ઉથલાવી દેવામાં આવ્યો ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા ડુવાલિયરની પ્રતિમા અને સમાધિનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની કબર ખોદવામાં આવી ત્યારે ડુવાલિયરની શબપેટી ગાયબ હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં અહેવાલ છે કે દેશ છોડતાં પહેલાં તેના પુત્રે સાવધાની રાખીને તેના પિતાની શબપેટીને ઉપાડીને તેને બીજી જગ્યાએ મૂકી દીધી હતી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top