Comments

સાચો નિ:સ્વાર્થ પ્રેમ

એક વ્યક્તિના પરિવારમાં સતત ઝઘડા જ થતા હતા. કોઈ ને કોઈ વાતે વાદવિવાદ થતો જ રહેતો અને બધાની વચ્ચે ખાસ કરીને સાસુ અને વહુના ઝઘડામાં તે વચ્ચે ફસાતો અને દુઃખી દુઃખી થઈ જતો.એક દિવસ નાની બાબતે ઘરમાં બહુ મોટો ઝઘડો થયો અને તે વ્યક્તિ કંટાળીને ઘર છોડીને નીકળી ગયો. ચારે બાજુથી હતાશ થઈને તેણે નક્કી કર્યું કે મારે હવે આ સંસાર જ છોડીને સંન્યાસ લઇ લેવો છે.તે બધું છોડીને જંગલ તરફ ચાલવા લાગ્યો.થોડા આગળ જતાં એક આશ્રમ દેખાયો.તે આશ્રમમાં અંદર ગયો તો એક ઝાડ નીચે તેજસ્વી શાંત મુખ અને લાંબી સફેદ દાઢીવાળા સંત આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા હતા.પેલો માણસ સંતનું ધ્યાન પૂરું થાય અને તેઓ આંખો ખોલે તેની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી સંતે આંખો ખોલી, પેલા માણસે પ્રણામ કરીને કહ્યું, ‘ગુરુદેવ મને તમારાં ચરણોમાં સ્થાન આપો.હું તમારો શિષ્ય બનવા માંગું છું.બધું છોડીને હું ભગવાનની ભક્તિ કરવા માટે તમારી પાસે આવ્યો છું.’

સંતે કહ્યું, ‘મારો શિષ્ય બનવા પહેલાં તારે મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે અને કહે, તારા ઘરમાં કોણ કોણ છે અને તું કોને સૌથી વધારે પ્રેમ કરે છે?’પેલા વ્યક્તિએ કહ્યું, ‘ગુરુજી, મારા પરિવારમાં માતા- પિતા ,બે ભાઈ ,એક બહેન ,પત્ની અને બે બાળકો છે પણ હું મારા પરિવારમાં કોઈને પ્રેમ કરતો જ નથી!’

સંતે કહ્યું, ‘એવું કેમ તું કોઈને જ પ્રેમ કરતો નથી?’પેલા માણસે દુઃખી મનથી કહ્યું, ‘ગુરુજી,આ દુનિયામાં બધા જ સ્વાર્થી છે. કોઈ મને સાચો પ્રેમ કરતું નથી એટલે મને પરિવારમાં કોઇથી લગાવ નથી રહ્યો અને હવે મારે બધું જ છોડીને સન્યાસ લઈ લેવો છે.માત્ર ભગવાનની ભક્તિ કરવી છે.’ સંત બોલ્યા, ‘ભાઈ, હું તને મારો શિષ્ય નહિ બનાવું. તારે બીજા ગુરુ શોધવા પડશે.તારા આટલા કડવાશથી ભરેલા અશાંત મનને હું શાંત નહિ કરી શકું.’ પેલા વ્યક્તિને નવાઈ લાગી કે ‘હું બધું છોડવા તૈયાર છું છતાં આ સંત મને શિષ્ય બનાવતા નથી આવું કેમ?’

સંત તેના મનની વાત સમજી ગયા. તેઓ બોલ્યા, ‘વત્સ, તારા મનમાં માત્ર નિરાશા,હતાશા,ગુસ્સો છે.પરિવારમાં કોઇના પણ માટે તારા મનમાં પ્રેમ નથી.જો થોડો પણ પ્રેમ તારા મનમાં હોત તો તે થોડા પ્રેમને હું ધીમે ધીમે વધારી શકત. જો તું તારા ઘરમાં કોઈને પણ પ્રેમ કરતો હોત તો તે પ્રેમના બીજને વધારીને તે હું ભગવાની ભક્તિમાં લગાડી શકત.પણ તારું મન તો એકદમ કઠોર છે.તારા મનમાં જરા પણ પ્રેમભાવ જ નથી તો તું ભગવાનની ભક્તિ કઈ રીતે કરીશ, કારણ સાચી ભક્તિ કરવા માટે પહેલાં નિઃસ્વાર્થ પ્રેમ કરવો જરૂરી છે.મનમાં પ્રેમ ભાવ જ નથી તો ભક્તિભાવ જગાડવો મુશ્કેલ છે.પહેલાં પરિવારને પ્રેમ કરતાં શીખ ,માતા પિતાનું સન્માન કર, પછી ભક્તિ કરી શકીશ.’સંતે સાચી સમજણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top