Comments

મોદી બિડેન પાસેથી જે ઇચ્છે છે, તે શું ખરેખર મળશે?

જોસેફ બાઇડેન અમેરિકાના ૪૬ મા પ્રમુખપદે આજે, તા. ૨૦ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના દિને, એકઅભૂતપૂર્વ ચૂંટણી પછી શપથ લેશે. બાઇડેન વહીવટીતંત્ર ભારત સાથે કયા પ્રકારના સંબંધો વિકસાવવાની સંભાવના છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વિદાય લેતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તાજેતરનાં વર્ષોમાં ગાઢ સંપર્કો વિકસાવ્યા હતા. ટ્રમ્પ ફરી ચૂંટણી જીત્યા હોત તો મોદી સરકાર રાજી થઇ હોત તે દેખાઇ આવે છે.

મોદીએ ટ્રમ્પના સંબંધોના સંવર્ધનમાં ખાસ્સું રોકાણ કર્યું હતું. આખરે તો મોદીની સરકારે ટ્રમ્પ તા. ૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ભારતમાં આવ્યા ત્યારે તેમને ભવ્ય આવકાર આપ્યો હતો, પણ ટ્રમ્પ અમેરિકા અને વિશ્વના નેતાઓની નજરમાં બહુ ખરાબ રીતે ચૂંટણી હારી ગયા છે.

ટ્રમ્પ પોતાના અંગત વર્તનને કારણે લોકોનો ટેકો નહીં મેળવી શકયા. બાઇડનને ચૂંટણીના મતમાં અને લોકપ્રિયતામાં પૂરો ટેકો મળ્યો છે કારણકે તેઓ એક નમ્ર અને પુખ્ત નેતા જણાયા છે. આમ છતાં આપણે એ નહીં ભૂલવું જોઇએ કે ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાના ભારત સાથેના સંબંધોમાં છેલ્લાં ચાર વર્ષમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

તેણે ભારતને પાકિસ્તાન સંબંધિત ત્રાસવાદ સામે ટેકો આપ્યો છે. તેણે ભારતને ચીન સામેની સમતુલામાં ભારતને એક મહત્ત્વનું ભાગીદાર ગણ્યું છે. આથી ટ્રમ્પ અને મોદી વચ્ચેની અંગત મૈત્રી તેમજ લશ્કરી સહકારે ભારત અને અમેરિકાને વધુ નિકટ આણ્યાં છે.

હવે બાઇડેન વ્હાઇટ હાઉસમાં પધરામણી કરી રહ્યા છે. મોદી એ જૂનાં સમીકરણો જોડવા માટે ફરી પોતાના સંમોહનનો ઉપયોગ કરશે.

ભારત હોય કે અમેરિકા, ચૂંટણી કોણ જીતે છે એનું ભૂતકાળમાં મહત્ત્વ નથી રહ્યું, પણ ચડતી-પડતી છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત જ થયા છે.

બ્રાઇડેનના વહીવટી તંત્રમાં અમેરિકા સાથે ભારતના સંબંધો કેવા રહેશે તેનું ચાલક બળ ચીન રહેશે. એ બાબતમાં મોટા ભાગના નિષ્ણાતો સંમત થાય છે. વળી આત્મનિર્ભર ભારતનું મોદીનું સ્વપ્ન અને અમેરિકાના અર્થતંત્રને વેગવાન બનાવવાની બાઇડેનની યોજના પરસ્પર સ્પર્ધાત્મક રહેશે. એટલે હવે બંને દેશોએ પોતાની મૈત્રીનો શેષ લાભ કેમ ઉઠાવવો તે જાણવું જ રહ્યું.

ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં એવા કેટલાય મુદ્દાઓ છે, જે વખતોવખત વકરે છે. વેપાર વિવાદ તેમાંનો મુખ્ય છે. મોદી જાણે છે કે તેના રાજકીય વિરોધીઓ તેમને માટે અને તેમની સરકાર માટે સમસ્યાઓ પેદા કરવા બાઇડેનનો ઉપયોગ કરશે. બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસ બંનેએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ઉદારમતવાદી ભારતને ટેકો આપે છે.

ટ્રમ્પે મોદીને ઘરઆંગણેની નીતિઓ માટે ટેકો આપ્યો હતો તેવો ટેકો બાઇડન-કમલા આપશે કે નહીં તે બાબતમાં આપણે ચોકકસ નથી. બાઇડેન નાગરિકતા સુધારા ધારા અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ પ્રત્યે સાફ નામંજૂરી વ્યકત કરી છે. કમલાએ પણ બંધારણની કલમ ૩૭૦ રદ કરવાની ટીકા કરી છે, છતાં બાઇડેન અને કમલાની જોડીના હાથ કોવિડની મહામારી અને તેની આર્થિક અસરોને કારણે બંધાયેલા રહેશે.

આ ઉપરાંત ખુદ અમેરિકા પોતે ખૂબ ઊંડે સુધી વિભાજિત થઇ ગયું છે અને તેનું ધૃવીકરણ થયું છે. વળી તાજેતરમાં કેપિટોલમાં તાજેતરમાં જે હિંસા થઇ તેણે દર્શાવ્યું છે કે બાઇડેને સૌ પ્રથમ તો અન્ય દેશોની ચિંતા કરતાં પહેલાં પોતાના દેશની આંતરિક પરિસ્થિતિને થાળે પાડવી પડશે.

મોદી સરકાર ભારતને તેની ભૂતકાળની ભવ્યતામાં લાવવા અને વિશ્વ સત્તાના દરજજામાં લાવવા માંગે છે. કોવિડ પછીના વિશ્વમાં ભારત સમાનતા આધારિત ભાગીદારીની અપેક્ષા રાખે છે. બાઇડેનની સરકાર ભારતના આંતરિક પ્રવાહો પર વધુ ધ્યાન આપશે તો અમેરિકાના હિતોને પણ નુકસાન થશે.

ભૂતકાળ પર નજર નાંખો તો બાઇડેન મોદીના ભારત સાથે સંબંધો વિકસાવવા સજજ છે. ઓબામા વહીવટીતંત્રમાં ઉપપ્રમુખ તરીકેની બાઇડેનની કામગીરીએ પોતે ભારતની ચિંતા પ્રત્યે સંવેદનશીલ હોવાનું દર્શાવ્યું છે.

વોશિંગ્ટનમાં પોતાની લાંબી કારકિર્દીમાં બાઇડેને ભારતીય અને અમેરિકી સમાજ વચ્ચે મહત્ત્વની મૈત્રીનું સંવર્ધન કર્યું હતું. ૨૦૦૫ માં તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી હતા ત્યારે જયોર્જ બુશની આગેવાની હેઠળના રિપબ્લિકન વહીવટીતંત્રે તેમને અમેરિકાનો વિઝા આપવાનો ઇન્કાર કર્યો હતો. વર્ષો પછી મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ડેમોક્રેટિક પ્રમુખ બરાક ઓબામા તેમને ભેટી પડયા હતા. છતાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો હજી વિકસે છે.

૨૦૧૫ ના જાન્યુઆરીમાં લઘુમતીઓની ‘ઘર વાપસી’ની પશ્ચાદ્‌ભૂમાં ઓબામાએ ભારતની ધાર્મિક સહિષ્ણુતાના મામલે ભાષણ ઝાડયું હતું. ૨૦૨૦ માં દિલ્હીમાં હિંસા ફાટી નીકળી પણ ટ્રમ્પે હિંસા પરત્વે કે ભારતના નવા નાગરિકત્વ કાયદા સામેના વિરોધની સામે કંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

મોદી ૨૦૧૪ માં ભારતના વડા પ્રધાન બન્યા પછી બાઇડેને તેમના પરનો અમેરિકી વિઝા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો તે ખુદ મોદી  ભૂલશે નહીં. આથી મોદી-બાઇડેનની જોડી ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા પોતાનાથી બનતું બધું જ કરી છૂટશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top