SURAT

હીરા ઉદ્યોગમાં મંદી છે કે તેજી?, ઉદ્યોગકારોની કરણી અને કથનીમાં ફરક જોઈ રત્નકલાકારો ગુસ્સે ભરાયા

સુરત : મુંબઈમાં GJEPC આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જવેલરી શો 2024 નાં 6 દિવસનાં પ્રદર્શન દરમિયાન 12 બિલિયન યુએસ.ડોલરનો વેપાર જનરેટ થયો હોવાના GJEPCની જાહેરાતને ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને પડકારી છે.

  • કારખાનામાં 10 દિવસનું વેકેશન અને બીજી તરફ હીરાનો 12 બિલિયન ડોલરના વેપારનો દાવો
  • જો હીરા ઉદ્યોગમાં ભારે તેજી હોય તો કાઉન્સિલ સુરતનાં રત્નકલાકારોની માંગણીઓ મંજૂર કરાવવા મદદ કરે: ભાવેશ ટાંક
  • હીરા ઉદ્યોગમાં મંદીના મામલે સાચું કોણ? GJEPC કે ડાયમંડ વર્કર યુનિયન

યુનિયનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આ જાહેરાત સામે વળતા પ્રશ્નો રજૂ કરી જણાવ્યું છે કે, હીરા-ઝવેરાત ઉદ્યોગમાં આટલી બધી તેજી છે તો સુરતમાં મોટી ડાયમંડ કંપનીઓ મંદીનાં નામે શા માટે બૂમો પાડી 10-10 દિવસ ફરજિયાત ઉત્પાદન બંધ રાખી રહી છે? કેમ પગાર કાપ સાથે કામ કરવા કારીગરોને ફરજ પાડી રહી છે?

કેમ સુરતના મોટા ભાગના હીરાનાં કારખાનાઓ લગ્નસરા અને તહેવારોની સિઝનમાં વિકમાં બે દિવસ કારખાનાઓ બંધ રાખી રહ્યાં છે? હીરા ઉદ્યોગમાં જો તેજી હોય તો મંદીનાં નામે કારીગરોને છૂટા કરતા કારખાના માલિકો સામે કેમ તંત્ર પગલાં લઈ રહ્યું નથી.

ભાવેશ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે, મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સાતમ આઠમનું 10 દિવસનું વેકેશન ડાયમંડ એસોસિયેશન અને કાઉન્સિલ એ રદ કરાવવું જોઈએ. જેથી રત્નકલાકારોનું ઘરનું ગુજરાન ચાલી શકે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગને આવેદન પત્ર પાઠવી જે કંપની વેકેશન પાડે ત્યાં રત્નકલાકારોને વેકેશનનો પગાર અપાવવા રજૂઆત કરવામાં આવી છે.

16 મહિનામાં 65 રત્નકલાકારોનો આપઘાત, હજારો કારીગરો બેકાર: લેબર વિભાગ સ્ક્વોડ બનાવી તપાસ કરે
હીરા ઉદ્યોગની ઘણી કંપનીઓ આયોજનપૂર્વક છૂટક છૂટક 25 થી 50 કારીગરોને છુટા કરી રહી છે. એમનેમજુર કાયદા હેઠળનાં બોનસ પગારનાં લાભો અપાવવામાં આવે.

ઘણા નાના મોટા કારખાનાઓ વેકેશનની આડમાં બંધ થઈ રહ્યાં છે. ત્યારે લેબર વિભાગ દ્વારા સ્કવોડ બનાવી તપાસ કરાવવામાં આવે. છેલ્લા 16 મહિનામાં અંદાજે 65 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે, એમના પરિવારો માટે એક પેકેજ જાહેર કરવામાં આવે અને કેટલા કારીગરો છેલ્લા બે વર્ષમાં બેરોજગાર થયા એનો સર્વે સરકાર કરાવે એવી માંગ કરવામાં આવે.

Most Popular

To Top