World

ઇટાલીના દરિયા કાંઠે વૈભવશાળી યોટ ડૂબી, 1નું મોત, 6 વ્યક્તિ લાપતા

ઇટાલીના સિસિલીના દરિયા કાંઠે એક સુપરયોટ એક તોફાનમાં સપડાઇને ડૂબી જતા છ જણા લાપતા થયા છે જેમાં બ્રિટિશ ટેક મેગ્નેટ માઇક લિન્ચ અને તેમના વકીલનો સમાવેશ થાય છે. બોટમાં કુલ ૨૨ જણા હતા જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બાકીના તમામ બચી ગયા છે.

આ સહેલગાહ માટેનું વૈભવશાળી જહાજ સિસિના પોર્ટીસેલ્લોના કાંઠા નજીક ૧૬૪ મીટર જેટલી ઉંડાઇએ ડૂબી ગઇ હોવાનું માનવામાં આવે છે જે ઉંડાઇ ખાસ સાવધાની માગે છે. બાયસિઆન નામનું આ પ૬ મીટર લાંબુ બ્રિટિશ ધ્વજ ધરાવતું વૈભવી જહાજ સ્થાનિક સમય પ્રમાણે સોમવારે વહેલી સવારે ૪ વાગ્યે એક સમુદ્રી તોફાનમાં સપડાઇને ડૂબી ગયું હતું. જે ૬ જણા લાપતા છે તેઓ આ સુપરયોટના હલમાં ફસાયા હોવાનું માનવામાં આવે છે. લાપતા લોકોમાં બ્રિટિશ ટેકનીકલ મહારથી માઇક લિન્ચ, કે જેઓ હાલમાં જે એક છેતરપિંડીના કેસમાં નિર્દોષ છૂટ્યા છે તે, તેમના એક વકીલ અને તેમની તરફેણના એક મહત્વના સાક્ષીનો સમાવેશ થાય છે. જે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે તે આ યોટ પર કામ કરતો એક રસોઇયો હોવાનું જાણવા મળ્યું છે. બચી ગયેલા કે બચાવી લેવાયેલા લોકોમાં એક મહિલા અને તેના ૧ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

જે છ જણા લાપતા છે તેઓ હજી પણ જીવતા હોવાની થોડી આશા છે જો તેઓ જહાજમાંના હવા ધરાવતા પોકેટોની અંદર હોય તો. પોલીસ અને ફાયર વિભાગનું બચાવકાર્ય ચાલુ છે. આ યોટ ૧૬૪ મીટર જેટલી ઉંડાઇએ ડૂબી ગઇ છે તેથી ડૂબકીમારો આટલી ઉંડાઇએ દસ મિનીટ જેટલો સમય જ રહી શકે છે અને તેઓ જ્યાં ફસાયા હોવાની શક્યતા છે ત્યાં યૉટનું ફર્નિચર ધસી આવ્યું હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.

આ વૈભવશાળી યૉટમાં એક સપ્તાહની ટિકીટ ૨૧૫૦૦૦ ડોલર!
આ બ્રિટિશ ધ્વજધારી યૉટ ૨૦૦૮માં બની હતી જે ઇટાલીયન કંપની પેરિની નેવીની માલિકીની હતી. ઓનલાઇન ચાર્ટર કંપનીના જણાવ્યા પ્રમાણે આ યૉટમાં એક સપ્તાહની સહેલગાહ કરવા માટેની ટિકીટ ૨૧૫૦૦૦ ડોલર હતી.

Most Popular

To Top