Gujarat

પાનનાં ગલ્લે ઉભેલાં લોકો અને ચાર રસ્તા ઉપર ઉભેલા કોન્સ્ટેબલમાં કોઈ ફરક નથી: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં આજે શહેરના ટ્રાફિક વિભાગ તથા અમદાવાદ મનપા દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે ગુજરાત હાઇકોર્ટે આ સોગંદનામા સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકના મામલે પોલીસની કામગીરી ઉપર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું કે કાગળ પરની કામગીરી અને વાસ્તવિકતામાં ખૂબ મોટો તફાવત છે. પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની કામગીરી અંગે પણ અને સવાલો ઊભા થઈ રહ્યાં છે. પાનના ગલ્લે ઉભેલાં લોકો અને ચાર રસ્તા ઉપર ઉભેલા કોન્સ્ટેબલમાં કોઈ ફરક જોવા મળતો નથી.

બીજી તરફ અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગ અને અમદાવાદ મનપા દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી પોલીસની કામગીરી અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3,300 કેસ કરી 14.86 લાખનો દંડ વસુલ કર્યો છે. રોંગ સાઈડ ઉપર ડ્રાઇવિંગ કરવા બદલ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, ટુ વ્હીલર ઉપર બે વ્યક્તિથી વધુ લોકો સવારી કરતા હોય તેવા 2933 કેસ કરવામાં આવ્યા છે. ટુ વ્હીલર પર હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરતા 28,099 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 1,31,87,100નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Most Popular

To Top