Dakshin Gujarat

રક્ષાબંધનના દિવસે ફરવા આવેલા સુરતના બે યુવાનનું ઉભરાટના દરિયામાં ડૂબી જતા મોત

નવસારી : રક્ષાબંધનમાં ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા સુરતના બે યુવાનોનું ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયા છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં દાંડી ગામે આવેલા દરિયા કિનારે તહેવારોમાં નવસારી જિલ્લાના તેમજ સુરતના લોકો પરિવાર સાથે ફરવા આવે છે. જ્યાં દરિયા કિનારે મજા માણતા હોય છે. ત્યારે દરિયામાં ન્હાવા દરમિયાન ડૂબી જવાની પણ ઘટના બને છે. ત્યારે રક્ષાબંધનના તહેવારમાં ઉભરાટ દરિયામાં યુવાનોના ડૂબવાની ઘટના બની હતી.

  • યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં ન્હાવા જતા રહ્યા ત્યારે દરિયાના પાણીનો પ્રવાહ વધી જતા બે યુવાનો બહાર નીકળી શક્યા નહીં
  • ઉભરાટ ગામ-દાંતી ગામ તરફના દરિયા કિનારેથી બંને યુવાનોની લાશ મળી આવી

સુરતના ડુંભાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટીમાં રહેતો જીશાન અંસાર અહેમદ અંસારી (ઉ.વ. 17) ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. તેમજ સુરતના પાંડેસરા આકાશ પૃથ્વી ભીમનગર આવાસમાં રહેતો ફેકુકુમાર સુરેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ. 22) પણ ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. સાથે જ રક્ષાબંધન હોવાથી વિવિધ જિલ્લાઓના યુવાનો પણ તેમના પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા. જેથી ઉભરાટ દરિયા કિનારે મેળાવડો જામ્યો હતો.
દરમિયાન ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા ફેકુકુમાર અને જીશાન સહીતના કેટલા યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં ન્હાવા જતા રહ્યા હતા.

પરંતુ અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક યુવાનો દરિયાના પાણીની બહાર આવી ગયા હતા. પરંતુ ફેકુકુમાર અને જીશાન દરિયાના ઊંડા પાણીમાંથી બહાર ન નીકળી શકતા તેઓ ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે મરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોની લાશો શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે ઉભરાટ ગામ-દાંતી ગામ તરફના દરિયા કિનારેથી બંને યુવાનોની લાશ મળી આવી હતી. જેથી પોલીસે બંનેની લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસે બંનેના પરિવારજનોની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ધર્મેન્દ્રસિંહને સોંપી છે.

પોલીસની નિષ્ક્રિયતાને કારણે યુવાનોના મોત નીપજ્યા
નવસારી : થોડા સમય અગાઉ દાંડી દરિયામાં એક જ પરિવારના 7 સભ્યોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. જેથી ત્યારબાદ જિલ્લા તંત્રએ સાવચેતીના સાઈન બોર્ડ લગાવી દીધા હતા. જેથી લોકો સાવચેત રહી શકે. પરંતુ તહેવારોમાં દરિયા કિનારે લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે. ત્યારે તે બાબતે તંત્રએ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો તૈનાત કરવાના હોય છે. આમ તો થોડા દિવસો અગાઉ જ ઓંજલ ગામે દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દીધું હતું. ત્યારે રક્ષાબંધનના દિવસે દરિયા કિનારે ફરવા આવતા લોકો માટે પણ પોલીસે તૈનાત રહેવાની જરૂર હતી.

Most Popular

To Top