Business

કોલકાતા બાદ થાણેના બદલાપુરમાં બાળકીઓ સાથે હેવાનિયત, ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રેન રોકી

થાણેઃ કોલકાતાના આરજી હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે બનેલી રેપ અને મર્ડર કેસની ઘટનાની આગ હજુ ઠરી નથી ત્યાં તો મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. સ્કૂલમાં સફાઈ કાર્ય કરતા કર્મચારી દ્વારા નાની ઉંમરની બાળકીઓ સાથે છેડતીની ઘટના બહાર આવતા હોબાળો મચી ગયો છે. લોકોએ રેલવે સ્ટેશન ઘેરી લીધું છે. લોકોએ ટ્રેન રોકી દીધી છે. તંત્ર પણ દોડતું થયું છે. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે, જ્યારે ઘટના બની તે પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.

થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયના શિશુ વિભાગમાં અભ્યાસ કરતી બે છોકરીઓની સફાઈ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ છેડતી કરી હતી. શાળાના સફાઈ કામદારે બદલાપુરની આદર્શ શાળાની નર્સરીની બે સાડા ત્રણ વર્ષની વિદ્યાર્થીનીઓ સાથે સફાઈ કર્મચારીએ છેડતી કરી હતી. જોકે આરોપી અક્ષય શિંદેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આમ છતાં લોકોનો રોષ શમ્યો નથી. વાલીઓ અને સ્થાનિક લોકો શાળામાં તેમના બાળકોની સુરક્ષા અંગે નક્કર કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડી જ વારમાં વિરોધ કરી રહેલા લોકોની સંખ્યા વધી ગઈ અને આખા શહેરમાં બેનરો અને પોસ્ટરો સાથે રોષે ભરાયેલા લોકોની ભીડ નીકળી ગઈ અને લોકોએ રેલ્વે સ્ટેશનનો ઘેરાવ શરૂ કર્યો હતો.

ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો શાળાના ગેટ પર એકઠા થયા હતા અને શાળાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. શાળા પ્રશાસન દ્વારા કોઈ નક્કર સ્ટેન્ડ ન લેવાતા વાલીઓ નારાજ છે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લોકો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન જ્યારે પોલીસ જવાનોએ ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

બદલાપુરમાં રોષે ભરાયેલા લોકોએ રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધો હતો. જેના કારણે લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઈ ગઈ છે. મુંબઈથી ઉપડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહી છે. કારણ કે બદલાપુરમાં હજારો લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને રેલ રોકો કરીને ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.

ટ્રેક પર પ્રદર્શનને કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. કારણ કે રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો. છેડતીનો આ મુદ્દો જોર પકડવા લાગ્યો છે.

શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને પોલીસ નિરીક્ષક સામે કાર્યવાહી
આ મામલામાં શાળા મેનેજમેન્ટે આચાર્ય અને વર્ગ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત આ કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર શુભદા શિતોલે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની બદલી કરવામાં આવી હતી. માતા-પિતાએ તેના પર કાર્યવાહી કરવામાં ઉદાસીન વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં: CM
બદલાપુર ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મેં આ બાબતને ગંભીરતાથી લીધી છે. આની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને અમે જે સ્કૂલમાં આ ઘટના બની છે તેની સામે પણ કાર્યવાહી કરવાના છીએ. આ કેસમાં જે પણ દોષી સાબિત થશે, તેને કોઈ પણ બક્ષવામાં આવશે નહીં.

નાયબ મુખ્યમંત્રીએ SITની રચના કરવાનો આદેશ આપ્યો
આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ SITનું નેતૃત્વ IG રેન્કના વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહ કરશે. આ ટીમ બદલાપુર કેસની તપાસ કરશે. આ સાથે થાણે પોલીસ કમિશનરને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રસ્તાવ આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.

Most Popular

To Top