SURAT

રક્ષાબંધન : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 100 થી 150 કરોડથી વધુની રાખડીઓનું વેચાણ થયું

સુરત : કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નાં ગુજરાત રીજ્યનનાં ચેરમેન પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, 2024 નું રક્ષાબંધન પર્વ વિવિધ પ્રકારની રાખડીઓનું વેચાણ કરતા રિટેલર વેપારીઓ માટે એકંદરે ખૂબ સારું રહ્યું છે. ચાઇનીઝ રાખડીઓનાં વેપારનો બહિષ્કાર કરવાની CAIT ની ઝુંબેશને વેપારીઓએ સફળ બનાવી છે.

  • આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિતે દેશમાં રાખડીનો 12,000 કરોડનો વેપાર થશે
  • ચાઇનીઝ રાખડીનો બહિષ્કાર સફળ રહ્યો : CAIT

આ વર્ષે રાખડીના તહેવાર પર દેશભરમાં રૂપિયા 12 હજાર કરોડનો વેપાર થવાની ધારણા છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રૂપિયા 100 થી 150 કરોડથી વધુની ખરીદી થઈ રહી છે, રવિવારે બજારોમાં રાખડીની ખરીદી કરવા ભીડ જોવા મળી રહી છે. તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં માત્ર દેશી રાખડીઓનું જ વેચાણ થતું હતું અને આ વર્ષે પણ ચાઈનીઝ બનાવટની રાખડીઓની કોઈ માંગ નથી અને ચાઈનીઝ રાખડીઓ બજારમાં જોવા મળી નથી.

પ્રમોદ ભગત અને પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે એવી અપેક્ષા છે કે 19મી ઓગસ્ટના રક્ષાબંધનથી શરૂ કરીને 15મી નવેમ્બરના તુલસી વિવાહના દિવસ સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન દેશના બજારોમાં રૂપિયા 4 લાખ કરોડથી વધુનો વિવિધ પ્રોડક્ટનો વેપાર થશે.

આ વર્ષની તહેવારોની સિઝન રક્ષાબંધનથી શરૂ થશે અને જન્માષ્ટમી, 10 દિવસીય ગણેશ ઉત્સવ, નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ દૂજ, જેવા અન્ય તહેવારો સાથે તુલસી વિવાહના દિવસે સમાપ્ત થશે. છઠ પૂજા અને અન્ય દેશનો વેપારી સમુદાય આ તહેવારોની શ્રેણીના સમયગાળા દરમિયાન ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને વેપારીઓએ તમામ ઉત્પાદનોનો પર્યાપ્ત માત્રામાં સ્ટોક કર્યો છે.

દેશના તમામ રાજ્યોમાં વેપારીઓ માત્ર ભારતીય માલ વેચશે. કારણકે ગ્રાહકો પણ ભારતીય માલની માંગ કરી રહ્યા છે. CAIT છેલ્લા ચાર વર્ષથી દેશમાં ખાસ કરીને તહેવારો દરમિયાન ભારતીય ઉત્પાદનોની ખરીદી સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે સફળ અભિયાન ચલાવી રહી છે.

રાખડી બજારમાં દેશની આ વિશિષ્ટ રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની
CAITના ગુજરાતના ચેરમેન પ્રમોદ ભગતે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રાખડીઓની એક વિશેષતા એ છે કે દેશના વિવિધ શહેરોના પ્રખ્યાત ઉત્પાદનોમાંથી ખાસ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે, જેમાં નાગપુરમાં બનેલી ખાદીની રાખડી, સાંગાનેરી રાખડીનો સમાવેશ થાય છે.

જયપુર આર્ટ રાખડી, પૂણેમાં બીજની રાખડી, મધ્યપ્રદેશના સતનામાં વાંસની રાખડી, આદિવાસી વસ્તુઓથી બનેલી રાખડી, આસામમાં ચાની રાખડી, કોલકાતામાં જ્યુટની રાખડી, મુંબઈમાં સિલ્કની રાખડી, કેરળમાં ખજૂરની રાખડી, કાનપુરમાં મોતી રાખડી, બિહારમાં મધુબની અને મૈથિલી કલાની રાખડી, પોંડિચેરીમાં સોફ્ટ સ્ટોનની રાખડી, બેંગ્લોરમાં ફૂલની રાખડીનો સમાવેશ થાય છે, જ્યારે દેશનું ગૌરવ દર્શાવતી ત્રિરંગાની રાખડી, વસુધૈવ કુટુંબકમની રાખડી, ભારત માતાની રાખડીની સૌથી વધુ માંગ છે. આ ઉપરાંત ડિઝાઇનર રાખડીઓ અને ચાંદીની રાખડીઓ પણ બજારમાં સારી રીતે વેચાય રહ્યા છે.

Most Popular

To Top