Comments

આ પણ પ્રેમ છે

રાત્રે અનિષાની તબિયતમાં મજા ન હતી.થોડું શરીર દુખતું હતું. આજે કામ બહુ પહોંચ્યું હતું.અનીશનું ધ્યાન ન જાય તેમ તેણે પેઈન કિલર ગોળી લીધી અને મનમાં વિચાર્યું, હમણાં આરામ કરી લઇશ એટલે સવાર સુધી સારું થઇ જશે એટલે કંઈ પણ બોલ્યા વિના તે ચુપચાપ સૂઈ ગઈ. અનુષ તેના સ્ટડી ડેસ્ક પર લેપટોપમાં કંઇક કામ કરી રહ્યો હતો.પણ તેણે જોઈ લીધું કે અનીષાએ ચુપચાપ કોઈ દવા લીધી અને સૂઈ ગઈ.અડધો કલાક પછી અનીશનું કામ પૂરું થયું ત્યારે તેણે જોયું તો દવાની અસરને લીધે અનીષા સૂઈ ગઈ હતી.અનીશે તેનું ઓઢવાનું સરખું કર્યું અને હાથ લગાડ્યો તો ખબર પડી કે અનીષાને તાવ છે.હમણાં તો તે સૂતી હતી એટલે અનીશે તેની ઊંઘમાં ખલેલ ન પહોંચાડી.સવારે ડોક્ટર પાસે લઇ જઈશ એમ વિચારી તે સૂઈ ગયો અને સૂતાં પહેલાં તેણે એલાર્મ બંધ કરી દીધું.

સવારે અનીષા વહેલી ઊઠી ન શકી,અનીશ ઊઠ્યો અને તૈયાર થવા લાગ્યો. થોડી વારમાં અનીષાની આંખ ખુલી તો મોબાઈલમાં આઠ વાગી ગયા હતા.તે જલ્દી દોડીને રસોડામાં ગઈ અને ચા નાસ્તો બનાવવા લાગી.અનીશે કહ્યું, ‘અરે, અરે,તું શું કામ ઊઠી ગઈ, આરામ કર, મને ખબર છે તારી તબિયત સારી નથી. આજે મારે બહુ કામ પણ નથી અને ઓફિસમાં એક ફ્રેન્ડની બર્થ ડે છે એટલે તારે ટીફીન બનાવવાનું નથી.થોડી વાર આરામ કર, પછી ડોક્ટર પાસે જઈએ અને પછી હું ઓફીસ જઈશ.’બહુ કામ હોવા છતાં અનીશ ખોટું બોલ્યો.અને અનીષા બોલી, ‘અરે ના ના, તમે પણ શું ,એ તો રાત્રે જરા શરીર દુખતું હતું પણ આરામ થઇ ગયો એટલે મને હવે સારું લાગે છે. કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી.તમે ઓફિસ જવા તૈયાર થઈ જાવ. હું ફટાફટ ઉપમા બનાવી દઉં છું.’શરીરમાં અશક્તિ હતી અને થોડો તાવ પણ છતાં અનીષા ખોટું બોલી.

અહીં અનીશ અને અનીષા બંને ખોટું બોલે છે પણ તે ખોટું બોલવા પાછળનું કારણ છે એકમેક પ્રત્યેનો પ્રેમ.અનીષા અનીશને ખબર ન પડે એ રીતે દવા લે છે કારણ તેને ચિંતા ન થાય.અનીશ ઓફિસમાં બહુ કામ હોવા છતાં કહે છે બહુ કામ નથી એટલે હાફ ડે લઈશ. પહેલાં ડોક્ટર પાસે જઈએ અને ફ્રેન્ડની બર્થ ડે છે એટલે ટીફીન ન બનાવતી, જેથી અનીષાને આરામ મળે.વળી અનીષા કહે છે મને સારું લાગે છે જેથી અનીશ નાસ્તો કર્યા વિના ન જાય.ખોટું બોલીને એકમેકની સગવડ જાળવવાનો પ્રયત્ન આ પણ પ્રેમ જ છે અને સાચો પ્રેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top