Gujarat

રાજ્યભરમાં ડોક્ટરોની હળતાડમાં ખાનગી હોસ્પિટલ પણ જોડાઇ

અમદાવાદ : કલકત્તાની મેડિકલ કોલેજની જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ -હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈ દેશભરના તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે અમદાવાદ સહિત રાજ્ય ભરના શહેરોની હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરી કોલકત્તાની ઘટનામાં પીડીતાને ન્યાય મળે તે માટે ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મૌન રેલી યોજાઇ હતી.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરોએ હોસ્પિટલ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રેલી યોજી હતી. અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી ન્યાય મળે તે માટે માંગણી કરી હતી. આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિયેશને ઇન્કમટેક્સ સર્કલ સુધી મૌન રેલી યોજી હતી. જેમાં 1200થી વધુ ડોક્ટરો જોડાયા હતા. શહેરના ખાનગી હોસ્પિટલોએ હડતાળને સમર્થન આપ્યું હતું અને રેલીમાં જોડાયા હતા.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે તબીબો દ્વારા બંધ પળાયો હતો અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડી બંધ રાખી હતી. છેલ્લા બે દિવસથી ડોક્ટરોની હડતાળને કારણે સૌથી વધુ મુશ્કેલી દર્દીઓને પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓના ઓપરેશનો અટકી પડ્યા હતા. સવારમાં ઓપીડી બંધ રહેવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોના તબીબોએ પણ આ હડતાલમાં સમર્થન આપતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે શહેરમાં ઈમરજન્સી સેવા ચાલુ રહી હતી.

Most Popular

To Top