Dakshin Gujarat

કીમ ચાર રસ્તા સર્કલ નજીક 20 દિવસથી ગટરિયા પૂર, વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા

હથોડા: કીમ ચાર રસ્તા ખાતે સર્કલ નજીક મુખ્ય માર્ગ પરની ગટર ચોકપ થઈ જતા અને ગટરનું પાણી વીસ દિવસથી રોડ પર ફરી વળતાં ગટરિયા પૂરના કારણે મુખ્ય માર્ગ પાણીમાં ગરક રહેતાં હજારો વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા છે અને વિકાસની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં તંત્રના અધિકારીઓ પણ તમાશો નિહાળતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

છેલ્લા સાતેક દિવસોથી વરસાદ થંભી ગયો છે. પરંતુ વિસ્તારની ગટરના પાણીનો નિકાલ નહીં થતાં ગટરનું પાણી રોડ પર ફરી વળતાં કેટલાક દિવસોથી ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ વાહન વ્યવહારથી ધમધમતો રોડ ગટરના પાણીમાં ગરક થઈ ગયો છે. આથી મોટા મોટા ખાડા પડતાં પાણીમાં ગરક થયેલા રોડ પર પડેલા ખાડાની ઊંડાઈનો વાહનચાલકોને ખ્યાલ આવતો નથી અને વાહનો ખાડાઓમાં પટકાઈ રહ્યાં છે. જેથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે. આ ખાડામાં રિક્ષા પલટી જતાં સામાન્ય ઇજા સાથે સદનસીબે જાનહાનિ ટળી હતી. કીમ ચાર રસ્તા કીમ રોડ પર સર્કલ નજીક ગટરનું પાણી મોટી માત્રામાં ફરી વળતાં આજે પણ ગટરિયું પૂર જોવા મળે છે. આટલી મોટી સમસ્યા છતાં પણ જવાબદાર તંત્રના અધિકારીઓનું પેટનું પાણી પણ ચાલતું નથી. જેથી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો જાડી ચામડીના તંત્ર સામે રોષે ભરાયા છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય એ પહેલાં તંત્ર પાણીનો નિકાલ કરી લોકોને ભયમુક્ત કરે એ જરૂરી છે.

આ બાબતે મામલતદાર અને ટીડીઓને જાણ કરી છે: સરપંચ
આ બાબતે પાલોદના સરપંચ કાંતિલાલ આહીરે જણાવ્યું હતું કે, ગટરના પાણી નિકાલના અભાવે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જેનું મૂળ કારણ પાણીના નિકાલ માટે આવેલી ગટર ઉપર કેબિનો મૂકીને ગટર પર દબાણ કરવામાં આવતું હોવાથી તેમજ કેબિનોની પાછળના ભાગે પંચાયત દ્વારા ગટર ખોદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ શોપિંગ સેન્ટરના માલિકે આ ગટર પણ પૂરી દેતાં ગટરિયા પૂરની રામાયણ સર્જાઇ છે. આ બાબતે પાલોદ પંચાયતે માંગરોળના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરી છે.

દબાણ દૂર કરવા નોટિસ પાઠવી પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે
પાલોદ પંચાયત હદ વિસ્તારના કીમ ચાર રસ્તા ખાતે ગટરના પાણીનો નિકાલ માટેની જગ્યામાં કેબિનો મુકાતાં થયેલા દબાણના કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે તેને દૂર કરવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર સુરત કચેરી દ્વારા કેબિનધારકોને દબાણ દૂર કરવા નોટિસ પાઠવાઈ છે અને 20 તારીખ સુધી કેબિનો નહીં ખસેડવામાં આવે તો 21મી તારીખે આ દબાણ દૂર કરવા માટે કોસંબા, પાલોદ પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી છે. જેથી આગામી 21મી તારીખે પોલીસ બંદોબસ હેઠળ દબાણ દૂર કર્યા બાદ ઘેરાયેલા પાણીનો નિકાલ કરાશે.

Most Popular

To Top