નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistan) મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાને (Tahvur Rana) 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હવે રાણાને યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઈનમી સર્કિટએ ભારતને સોંપવાનો આદેશ આપ્યો છે. તેમજ અમેરિકી કોર્ટના આદેશ મુજબ રાણાને હાલના પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત (India) સોંપી શકાય છે.
26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવણીના આરોપી તહવ્વુર રાણાને અમેરિકન કોર્ટે ગુરુવારે મોટો ઝટકો આપ્યો હતો. અસલમાં અમેરિકન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાણાને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપી શકાય છે. ત્યારે નવમી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સે 15 ઓગસ્ટે આપેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, “ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ કોર્ટ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપે છે.”
અગાઉ રાણાએ કેલિફોર્નિયામાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે નવમી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં અરજી કરી હતી. ત્યારે કેલિફોર્નિયાની કોર્ટે તેની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી હતી. આ પહેલા પણ મે મહિનામાં 63 વર્ષીય રાણાએ કોર્ટના આદેશને પડકારતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી જેમાં 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપીઓને ભારતને સોંપવાની યુએસ સરકારની વિનંતીને સ્વીકારવામાં આવી હતી.
જણાવી દઇયે કે હેબિયસ કોર્પસ પિટિશનમાં મુંબઈના આતંકવાદી હુમલામાં રાણાની કથિત સંડોવણી બદલ તેને ભારત પ્રત્યાર્પણ કરવાના મેજિસ્ટ્રેટ જજના આદેશને પડકારવામાં આવ્યો હતો. ત્યારે નવમી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશોએ પેનલના ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
પ્રત્યાર્પણ સંધિની જોગવાઈ
પ્રત્યાર્પણના આદેશની હેબિયસ કોર્પસ સમીક્ષાના મર્યાદિત અવકાશ હેઠળ, પેનલે જણાવ્યું હતું કે રાણા સામેના આરોપો યુએસ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતોમાં આવે છે. અમેરિકાની જેલમાં બંધ રાણા ઉપર મુંબઈ હુમલામાં સામેલ હોવાના આરોપો છે. જેના કારણે રાણાને ભારતને સોંપી શકાય છે.
કોણ છે રાણા?
હાલમાં અમેરિકન જેલમાં બંધ રાણા પર મુંબઈ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. તેને પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો સહયોગી માનવામાં આવે છે, જે 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે.
2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. મુંબઈમાં, 10 પાકિસ્તાની આતંકવાદીઓએ 60 કલાકથી વધુ સમય સુધી હુમલા કર્યા અને શહેરના ઘણા મુખ્ય સ્થળોએ લોકોને માર્યા. સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા જ્યારે એક અસમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.