Comments

માફ કરી દેજે

એક દિવસ પપ્પાએ પોતાના દીકરાને જીવનની અણમોલ સલાહ આપતાં કહ્યું, ‘દીકરા, કોઈ તને દુઃખ પહોંચાડે, તું તેમને તેમણે તારી સાથે જે કર્યું તેના માટે માફ કરી દેજે.’ દીકરાએ પપ્પાની સલાહ સાંભળી અને સ્વીકારી અને તેની પર અમલ પણ શરૂ કર્યો પણ જીવનમાં ડગલે ને પગલે પોતે આપેલા પ્રેમની સામે નફરત મળતી તો તેને બહુ દુઃખ થતું.પોતાના સારા છતાં તેની સાથે કોઈ ખરાબ વર્તન કરતું તો તે સહન કરવું મુશ્કેલ બનતું  અને તેણે મૂકેલા વિશ્વાસ સામે વિશ્વાસઘાત થતો ત્યારે તો એકદમ નિરાશ થઈ જવાતું. તેની સાથે તેના એક મિત્રે વિશ્વાસઘાત કર્યો ત્યારે એકદમ દુઃખી મનથી તેણે તેના પપ્પાને બધી હકીકત જણાવી અને પૂછ્યું, ‘શું આવાં લોકો માફીને લાયક હોય છે?’

પપ્પાએ કહ્યું, ‘દીકરા, જો દરેક જણ માફીને લાયક હોય છે. જો તેમણે જે ખોટું કર્યું તે પહેલી વાર કર્યું હોય તો તેમને માફી આપવી જોઈએ.જો તેઓ એવું જ ખરાબ વર્તન બીજી વાર કરે તો તેમને એક બીજી તક આપી માફ કરી દેવા જોઈએ સમજ્યો…પણ જો તેઓ ખરાબ વર્તન કરી તને દુઃખી ત્રીજી વાર કરે તો માફી અને તક તારે પોતે, પોતાની જાતને આપવી!’

પપ્પાની આવી વાત સાંભળીને દીકરાના મોઢા પર એક પ્રશ્નાર્થ છવાયો.આંખોમાં મૂંઝવણ દેખાઈ.પપ્પાએ આ જોયું અને હસતાં હસતાં કહ્યું, ‘હા, તારે તારી જાતને માફ કરવાની કે તેં આવાં લોકોમાં વધુ પડતો વિશ્વાસ મૂક્યો.તારી જાતને માફ કરવાની કે તેં તેમની પર ભરોસો કર્યો,આધાર રાખ્યો અને તને નિરાશા મળી.પોતાને માફ કરજે કે તેં આવાં લોકોને માફ કરીને તને દુઃખ પહોંચાડવાની બીજી તક આપી. હવે તું પોતાની જાતને તક આપજે નફરત ,વેર, ઝેર અને ભૂતકાળની ભૂલોમાંથી છૂટવાની!’

દીકરાએ પૂછ્યું, ‘આમ કરું તો પણ તેમને આડકતરી માફી જ મળી જાય ને.’
પપ્પાએ સમજાવ્યું, ‘દીકરા, હવે તારે જે થયું તે ભૂલીને, જેને તેં બે વાર માફ કરી દીધાં હોય તેમને ભૂલી જઈને આગળ વધી જવાનું છે.તારા મનની નિરાશા ,હતાશા, દુઃખમાંથી તને તો જ આઝાદી મળશે. જો તું જીવનમાં ભૂતકાળને ભૂલીને આગળ વધીશ તો જ તારા મનને શાંતિ મળશે.તું તારા મનમાં દુઃખ, ગુસ્સો ,નફરત ,નિરાશા ભરીને જીવીશ તો પોતે જ પોતાનું નુકસાન કરીશ એટલે પોતાની જાતને માફ કરી આગળ વધી જવાનું.’ પપ્પાએ બહુ સુંદર સમજ આપી.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top