Charotar

અડાસમાં દોઢ લાખની લૂંટ કરનારી ટોળકી પકડાઇ

ચાર શખ્સોએ પતિ – પત્ની અને પુત્રીને લાકડી બતાવી રોકડા અને સોનાની ચેન ઝુંટવી હતી

આણંદના અડાસ ગામમાં દામપુરા સીમમાં રહેતા પરિવારના ઘરમાં ઘુસેલા ચાર અજાણ્યા શખ્સોએ લાકડીઓ બતાવી ધમકાવી ઘરમાંથી રોકડા રૂ.45 હજાર, બે સોનાની ચેઇન, મોબાઇલ મળી 1.48 લાખની મતાની લૂંટ કરી હતી. આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાંચ અને વાસદ પોલીસે દાહોદની ટોળકીને પકડી પાડી હતી. 

અડાસ ગામના દામપુરા સીમમાં રહેતા પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડ (ઉ.વ.64) 12મીની રાતના નવેક વાગે તેમના પત્ની કમળાબહેન તથા બે દિકરી નેહા તથા રેખા સાથે જમી પરવારી અલગ અલગ રૂમમાં સુઇ ગયાં હતાં. આ દરમિયાન રાતના એક વાગ્યાની આસપાસ ચાર શખ્સ લાકડીઓ સાથે તેમના ઘરમાં ઘુસી ગયાં હતાં અને ડરાવી ધમકાવી રોકડ, દાગીના સહિત કુલ રૂ.1.48 લાખની લૂંટ કરી ભાગી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઇમ બ્રાંચ અને વાસદ પોલીસની વિવિધ ટીમ કામે લાગી હતી. જેમાં બાતમી મળી હતી કે, સફેદ કલરની ગાડી નં.જીજે 20 – 7600 બનાવની સાંજે ચક્કર મારતી હતી. જેમાં પાંચથી છ યુવાનો હતાં. આથી, પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતા તે વાસદમાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી, વાસદ પોલીસની ટીમે તપાસ કરી ગાડી પકડી પાડી હતી. તેમાં સવાર 5 શખ્સની અટકાયત કરી હતી. જેમની પુછપરછ કરતાં નરેશ મસુલ મીનામા (ઉ.વ.30), અમોષ પારૂભાઈ ખરાડ (ઉ.વ.24,), ગજાનંદ ઉર્ફે ગજા માનસીંગ બારૈયા (ઉ.વ.26), વિક્રમ દરીયા પરમાર (ઉ.વ.25) અને શંકેશ ઉર્ફે શકો રસુલ ભાભોર (ઉ.વ.30) (રહે. તમામ દાહોદ) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી સોનાની ચેઇન, વીંટી, સોનાની બુટ્ટી, રોકડા રૂ.7100, મોબાઇલ મળી આવ્યાં હતાં. આ શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતાં તેમણે અડાસ ગામની લૂંટની કબુલાત કરી હતી અને તેમની સાથે કમલેશ મડીયા ભાભોર પણ સંડોવાયો હોવાનું કબુલ્યું હતું. આ શખ્સો રાત્રિના સમયે મારક હથિયાર લાકડી, દંડા સાથે ઘરમાં ઘુસી ડરાવી, ધમકાવી પ્રતિકાર કરવાની તૈયારી સાથે ઘરમાંથી રોકડ, દાગીના લૂંટતા હોવાની કબુલાત કરી હતી. આ શખ્સો પાસેથી પોલીસે રૂ.4.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top