SURAT

મહિલા કોર્પોરેટરે 1 લાખની લાંચ માંગી હોવાના સુરત મનપાના પૂર્વ મેયરના આક્ષેપથી ચકચાર

સુરતઃ શહેરનાં ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ ચીમનલાલ પટેલે કરતાં રાજકીય ખળભળાટ મચી ગયોછે.

સુરત પાલિકાના પૂર્વ મેયર ચીમનલાલ પટેલને થોડા સમય પૂર્વે જ જર્જરિત મકાન સંદર્ભે વરાછા ઝોન દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજી દફતરે કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટર અને ચીમનલાલ પટેલના જ નજીકના સંબંધી નિરાલી પટેલ દ્વારા લાંચ માંગી હોવાની રજુઆત કરવા માટે ખુદ પૂર્વ મેયર ચીમનલાલ પટેલ વરાછા ઝોન ખાતે આજે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વૃદ્ધ ચીમનલાલ પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી.

શહેરનાં અશ્વનિકુમાર રોડ ખાતે આવેલ ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગર પાલિકામાં સને 1980થી 1982 દરમિયાન ચાર મહિના સુધી મેયર રહી ચુકેલા ચીમનલાલ પટેલ દ્વારા આજે પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરૂદ્ધ અરજી દફતરે કરવા માટે 1 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચીમનલાલ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે. આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોન – એના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

અલબત્ત, તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું. વરાછા ઝોનના અધિકારીઓને રૂપિયા ચુકવવાનું જણાવીને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ચીમનલાલ પટેલ દ્વારા કરવામાં આવતાં વરાછા સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ચીમનલાલ પટેલ દ્વારા બદનામ કરવાનું કાવતરું: નિરાલી પટેલ
આમ આદમી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, ચીમનલાલ પટેલ તેમના કાકા સસરા થાય છે અને વડિલોપાર્જીત મિલ્કત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાને કારણે તેઓએ આ પ્રકારના તદ્દન ખોટા અને વાહિયાત આક્ષેપ કર્યા છે.

નિરાલી પટેલે વધુમાં કહ્યું હતું કે, કોર્ટમાં મિલ્કત સંબંધી કેસ ચાલી રહ્યો હોવાને કારણે અંગત દુશ્મનાવટ અને વેરભાવ રાખીને ચીમનલાલ પટેલ દ્વારા મને સામાજીક અને રાજકીય રીતે બદનામ કરવા માટેનું કાવતરું રચવામાં આવ્યું છે. નિરાલી પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓના અને ચીમનલાલ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બોલચાલના સંબંધ પણ નથી અને 20 વર્ષ પહેલાં જ તેઓ પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા.

Most Popular

To Top