Health

ચોંકાવનારો રિપોર્ટઃ ભારતમાં દરેક બ્રાન્ડના નમક-ખાંડમાં માઈક્રો પ્લાસ્ટિક હોય છે!

નવી દિલ્હી, તા. ૧૩: હાલ એક અભ્યાસમાં એવો ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં મળતા દરેકે દરેક બ્રાન્ડના મીઠા(નમક) અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરી છે જે આરોગ્યને ઘણુ નુકસાન કરી શકે છે.

  • એક અભ્યાસના તારણો મુજબ નોન પેકેજ્ડ મીઠા અને ખાંડમાં પણ પ્લાસ્ટિકના આ બારીક કણો છે
  • માઇક્રોપ્લાસ્ટિક્સનું સૌથી વધુ પ્રમાણ આયોડાઇઝ્ડ નમકમાં
  • આ માઇક્રોપ્લાસ્ટિક્સ આરોગ્યની અનેક સમસ્યાઓ સર્જી શકે છે

આજે મંગળવારે પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે તમામ ભારતીય સોલ્ટ અને સુગર બ્રાન્ડો, પછી તે નાની હોય કે મોટી – તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સ છે, જ્યારે અનપેકેજ્ડ મીઠા અને ખાંડમાં પણ આ કણોની હાજરી જણાઇ છે.

અભ્યાસ મુજબ માઇક્રોપ્લાસ્ટિક્સનું સૌથી વધુ પ્રમાણ આયોડાઇઝ્ડ નમકમાં છે જે પ્રતિ કિલોગ્રામે ૮૯.૧૫ ટુકડા જેટલું છે જયારે ઓર્ગેનિક રોક સોલ્ટમાં આનું સૌથી ઓછું પ્રમાણ ૬.૭૦ ટુકડા પ્રતિ કિલોગ્રામ છે. આ ટુકડાઓ બારીક કણોના સ્વરૂપમાં હોય છે. ખાંડની બાબતમાં જોઇએ તો તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ૧૧.૮પથી ૬૮.૨૫ ટુકડા દર કિલોગ્રામમાં જણાયા છે જેમાં આ કણોનું સૌથી વધુ પ્રમાણ નોન-ઓર્ગનિક સુગરમાં જણાયું છે.

માઇક્રોપ્લાસ્ટિક્સ ઇન સોલ્ટ એન્ડ સુગર નામનો આ અભ્યાસ પર્યાવરણ સંશોધન સંગઠન ટોક્સિક લિંક દ્વારા કરવામાં આવ્યો છે. તેણે તમામ પ્રકારના નમકનો – જેમાં ટેબલ સોલ્ટ, રોક સોલ્ટ, સમુદ્રી નમક અને સ્થાનિક કાચુ મીઠુંનો સમાવેશ થતો હતો, અભ્યાસ કર્યો હતો અને ઓનલાઇન અને સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવતી પાંચ પ્રકારની ખાંડનો અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસ સૂચવે છે કે તમામ નમક અને ખાંડના સેમ્પલોમાં આ માઇક્રોપ્લાસ્ટિકસ વિવિધ સ્વરૂપમાં જણાયું છે જેમાં ફાઇબર, પેલેટ્સ, ફિલ્મ્સ અને ફ્રેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ માઇક્રોપ્લાસ્ટિક્સનું કદ ૦.૧ મીમીથી લઇને પ મીમી સુધીની રેન્જમાં છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખૂબ હાનિકારક બની શકે છે. તે હોર્મોન્સ ખોરવવા, રોગપ્રતિકારક શક્તિ અને પાચનને અસર કરવા ઉપરાંત કેન્સર જેવી આરોગ્ય સમસ્યાઓ સર્જી શકે છે.

પ્લાસ્ટિકના આ નાના કણો હવે હવા, સમુદ્ર, જળાશયો વગેરે અનેક જગ્યાએ ફેલાઇ ગયા છે. પ્લાસ્ટિકનો ભંગાર તોડવા જેવી ક્રિયાઓથી આ કણો ફેલાય છે. તેઓ હવામાં તરતા હોય તો પણ ઘણી વાર જોઇ શકાતા નથી અને હવે તો માણસના શરીરમાં પણ તેની હાજરી જણાઇ છે.

Most Popular

To Top