વડોદરા:કરજણ ખાતેના મેથી ગામના એક અવાવરૂ કૂવામાં કોઇ અજાણી વ્યક્તિ પડી હોવાની જાણ વડોદરા ફાયર કંટ્રોલને મળ્યો હતો. જેથી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં કૂવામાં પડેલી વ્યક્તિને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતું ચાર કલાકની જહેમત છતાં પણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ કમનસીબે યુવકનો જીવ બચાવી શકી ન હતી.
આ મામલે મકરપુરા જી.આઇ.ડી.સી ફાયર સ્ટેશન ઓફીસર નિકુંજ આઝાદએ જણાવ્યું હતુ કે, બપોરે વડોદરા ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, કરજણ સ્થિત મેથી ગામમાં કૂવામાં એક વ્યક્તિ પડી ગઇ છે. જેથી તાત્કાલીક ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તૈયાર કરી અમે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં અંદાજીત 150થી 180 ફુટ ઊંડા કૂવામાં એક વ્યક્તિ પડી ગઇ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.
કૂવામાં પડેલી વ્યક્તિને બહાર કાઢવા માટે એક ટીમને નિચે ઉતારવામાં આવી હતી. કૂવો ખૂબ ઊંડો હોવાથી અંદર ઓક્સિજનનુ પ્રમાણ નહીવત હતુ. જેથી શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડી રહીં હતી. માત્ર 10 મીનિટના સમયમાં અમારે અંદર પડેલી વ્યક્તિને બહાર કાઢવાની હતી. પ્રથમ ટીમ દ્વારા સર્ચ કરતા કોઇ મળી આવ્યું ન હતુ. ત્યારબાદ બીજી ટીમને કૂવામાં ઉતારવામાં આવી હતી. ત્યારે કચરાના ઢગલાની અંદર એક વ્યક્તિ મળી આવી હતી.
અંદાજીત ચારથી સાડા ચાર કલાકની જહેનત બાદ કૂવામાં પડેલી વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. કુવામાં પડવાથી લોખંડની એન્ગલ અને પથ્થરો યુવકના માથામાં વાગ્યા હોવાથી તેમનું મોત થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
દરમિયાન મૃતક ભાવેશ ગોપાલભાઇ પાટણવાડીયા (ઉ.વ.24) હોવાનુ જાણવા મળ્યું હતુ. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેથી કૂવામાં પડેલા યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.