વડોદરા:વડોદરાની સેન્ટ્રલ જેલમાં જુદાં જુદાં ગુનામાં સજા કાપી રહેલા સાત જેટલા કેદીઓ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર નહીં થતાં જ્યુડીશીયલ જેલર દ્વારા સાત કેદીઓ વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગોધરા તાલુકાના મોકળ ના મુવાડા ગામે રહેતા અબ્દુલ કાદિર બટુકને ગોધરાની ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના બાકી નીકળતા રૂપિયા ૧.૨૦ લાખની ભરપાઇ નહીં કરવા બદલ 300 દિવસની કેદની સજા ફટકારી હતી.
વડોદરા મધ્યસ્થ જેલમાં ખસેડાયેલા કેદી અબ્દુલ કાદિર ભટુકને ૬૦ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. વચગાળાના જામીનની મુદત પૂર્ણ થતા પરત જેલમાં હાજર થવાને બદલે અબ્દુલ કાદર ફરાર થઈ ગયો હતો રાવપુરા પોલીસ મથકે જ્યુડીશીયલ જેલર ગોહિલે ફરિયાદ નોંધાવી હતી .
બીજા બનાવમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સલુણ ગામે રહેતા સુરેશ ભીખા ઠાકોરને ભરણપોષણની રકમ રૂપિયા 2.55 લાખની ભરપાઈ નહીં કરવા બદલ ૧૨૭૫ દિવસની કેદની સજા ફટકારી હતી વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી સુરેશ ઠાકોર ને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વચગાળાના જામીન પર છૂટેલા પાકા કામના કેદી સુરેશ ઠાકોર ને તારીખ ૩૧મી ડિસેમ્બરના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું.પરંતુ તે ફરાર થઈ જતા રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .
ત્રીજા બનાવમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નબીપુર ગામે રહેતા મહેશ ભાવસિંહ સોલંકીને કોવિડ-૧૯ અંતર્ગત વચગાળાના જામીન મળ્યા હતા. ત્યારબાદ તારીખ ૩૧મી ડિસેમ્બરના રોજ પરત જેલમાં હાજર થવાને બદલે મહેશ સોલંકી ફરાર થયો હતો.જે અંગે રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .
ચોથા બનાવમાં પાદરા તાલુકાના વણછરા ગામે રહેતા ભુપેન્દ્ર પઢીયાર ને ભરણપોષણની રકમ નહીં ચૂકવવા બદલ નામદાર અદાલતે સજાનો હુકમ જારી કર્યો હતો .જેલવાસ ભોગવતા ભુપેન્દ્ર પઢીયાર ને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો .વચગાળાના જામીનની મુદત પૂર્ણ થતા પરત જેલમાં હાજર થવાને બદલે ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો .તેથી તેના વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કયો છે.
જ્યારે અન્ય બનાવમાં પાણીગેટ મોગલ વાળા ખાતે રહેતો ગુલામનબી હસન મન્સુરી અત્રેની સેન્ટ્રલ જેલમાં કાચા કામની સજા ભોગવતો હતો તેને કોવિડ-૧૯ અંતર્ગત વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. કેદી ગુલાબ નબીને તારીખ 31 ડિસેમ્બરના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જે નિયત સમયે હાજર નહીં થતાં ફરાર થઈ ગયો હતો તેથી જેલર તેના વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ય બનાવમાં મધ્યસ્થ જેલમાં પાકા કામની સજા ભોગવતો રીઝવાન ગુલામનબી મણીયાર જે ૬૦ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ પરત ફરવાના બદલે ફરાર થઈ જતા જેલરે તેના વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અન્ય બનાવમાં હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતો અને મધ્યસ્થ જેલમાં પાકા કામની સજા ભોગવતો કેદી સતીશ ભુરા ભાઈ રાઠવા જે કોવીડ-૧૯ અંતર્ગત વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ગત તારીખ 31.12. 20ના રોજ પરત જેલમાં હાજર નહીં થતાં ફરાર થઈ ગયો હતો જેથી મધ્યસ્થ જેલના જેલર ગોહિલે તેના સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.