National

બાંગ્લાદેશ: મોહમ્મદ યુનુસ પહોંચ્યા ઢાકેશ્વરી મંદિર, લઘુમતી સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે એક મોટું પગલું ભર્યું છે. મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રસિદ્ધ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લીધી છે. દરમિયાન બાંગ્લાદેશના હિંદુ આંદોલનકારી, હિંદુ સમાજના આગેવાનો અને લઘુમતી વિદ્યાર્થીઓ મંગળવારે વચગાળાના પ્રશાસક મોહમ્મદ યુનુસને મળ્યા હતા. આ સભા ઢાકેશ્વરી મંદિરમાં થઈ હતી. આ દરમિયાન તેમણે જે આઠ મુદ્દાની માંગણીઓ માટે અલ્ટીમેટમ આપ્યું હતું તેની ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે તેમની માંગણીઓ પર ધ્યાન આપવાની અને લઘુમતીઓ પરના હુમલા રોકવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે ઢાકામાં દેશના લઘુમતી સમુદાયોના નેતાઓ સાથે બેઠક કરી હતી. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે રાજીનામું આપ્યા બાદ દેશમાં હિન્દુઓ પર સતત હુમલા અને બર્બરતાની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠક યોજવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

બીજી તરફ પીએમ મોદીએ બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને અમે ઝડપથી સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની આશા રાખીએ છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

યુનુસ એવા સમયે મંદિરમાં પહોંચ્યા છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. યુનુસે ઢાકેશ્વરી મંદિરમાં કહ્યું કે દેશને સંકટમાંથી બહાર લાવવો પડશે. આપણે એક થવું પડશે. આ સમય વિભાજન કરવાનો નથી પરંતુ સાથે રહેવાનો છે. દરેક વ્યક્તિએ ધીરજ અને સંયમ રાખવો પડશે. અમે એવું બાંગ્લાદેશ બનાવવા માંગીએ છીએ જે એક પરિવાર જેવું હોય. જેમાં હિંસા થતી નથી. આપણે અહીં શાંતિ સુનિશ્ચિત કરવી પડશે.

Most Popular

To Top