વડોદરા,તા-18
અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર આજે સાંજે રાવપુરા પોલીસ સ્ટેશનની PCR વાન અને અનાજ ભરેલા છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવને પગલે બ્રિજ ઉપર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર અનાજ ભરેલો ટેમ્પો યાંત્રિક ખામીને કારણે બંધ થઈ પડી ગયો હતો. જેથી ટેમ્પો માલિક અશોકભાઇએ પોતાનો ટેમ્પો રોડની સાઇડ પર ઊભો કરી દીધો હતો. તે દરમિયાન પૂરપાટ પસાર થઇ રહેલ રાવપુરા પોલીસ મથકની PCR વાન ઉભા રહેલા ટેમ્પોમાં ધડાકાભેર અથડાઇ હતી. PCR વાન ટેમ્પો સાથે ભટકાતા ટેમ્પોનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો હતો.
આ બનાવ બનતા જ લોકોના ટોળેટોળા વળી ગયા હતા. પરિણામે ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને PCR વાનને પોલીસ સ્ટેશનમાં રવાના કરી દીધી હતી.
જ્યારે અકસ્માતગ્રસ્ત ટેમ્પો ચાલકને ટેમ્પો લઈને પોલીસ સ્ટેશનમાં આવવા માટે પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટેનો ઇન્કાર કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ ન આવે ત્યાં સુધી ટેમ્પો ન લઈ જવા માટે જણાવ્યું હતું.
જોકે પોલીસ દ્વારા ટેમ્પો માલિકને ટેમ્પો પોલીસ સ્ટેશને લઈ જવા માટે દબાણ કરવામાં આવતા પોલીસ અને ટેમ્પો માલિક વચ્ચે ચકમક ઝરી હતી. સોલાર રૂફટોપ નીચે બનેલા આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ, બંને વાહનોને મોટું નુકસાન થયુ છે. આ બનાવ અંગે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.