સુરતઃ પવિત્ર શ્રાવણ માસની સાથે જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ જશે. તહેવારોના પગલે શહેરની મિઠાઈની દુકાનોમાં મોટા પ્રમાણમાં મિઠાઈનું વેચાણ થતું હોય છે. ત્યારે આ મિઠાઈની ગુણવત્તા કેવી છે તેની તપાસ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ છે.
- શહેરના 8 ઝોનમાં માવા-મિઠાઈના વિક્રેતા પર દરોડા
- માવા અને મિઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ અર્થ મોકલાયા
- તહેવાર પહેલાં લેબ રિપોર્ટ આવી જાય તેવા પ્રયાસ
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે તા. 13 ઓગસ્ટના રોજ શહેરના અલગ અલગ 8 ઝોનમાં મીઠાઈ અને માવાનું વેચાણ કરતા વેપારીઓ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. ડેરીમાં તેમજ મીઠાની દુકાનમાં માવાનો વેચાણ પણ અલગથી કરવામાં આવે છે.
ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લીધા હતા.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આજે શહેરના અલગ-અલગ સ્થળેથી માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતે 14 દિવસમાં માવાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવતો હોય છે.
જોકે અમે 14 દિવસ કરતા પહેલાં રિપોર્ટ મળે તે માટે માંગ કરી છે. તેથી તહેવારો પહેલાં સેમ્પલમાં ભેળસેળ અંગે માહિતી મેળવી કસૂરવારો સામે કાર્યવાહી કરી શકાય.