SURAT

સુરતના ફ્રોડ RC બુક કૌભાંડમાં દેશની મોટી બેંકો પણ વિલન, લોકોને મારવા ગુંડા ભાડે રાખતા

સુરત : આરસીબુક કૌભાંડમાં એલ એન્ડ ટી ફાયનાન્સ કંપનીએ તેના ગુંડાઓ મારફત ડિંડોલીમાં રહેતા એક ગરીબ પરિવારના કુંજલ નામના યુવાનને રંજાડીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો.

  • ફાયનાન્સ કંપનીઓ એક આરસી બુકનો ભાવ પંદર થી પચ્ચીસ હજાર રૂપિયા આપતી હતી
  • લોકોને મારવા અને ફટકારવા માટે શહેરમાં આખી ગેંગો ભાડે લેવાય છે
  • બેંક સત્તાધીશો અને ટોચની ફાયનાન્સ કંપનીઓના અધિકારીઓની પૂછપરછ કરી શકાશે.
  • ફ્રોડ આરસી બુક બનાવવાના રેકેટમાં મુખ્ય વિલન અંકિત વઘાસિયાએ શહેરની તમામ બેંકો તેને કામ સોંપતી હોવાની કબૂલાત કરી

દરમિયાન આ મામલે ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, શહેરની ટોચની તમામ બેંકોએ અંકિત વઘાસિયાને ફ્રોડ આરસી બુક કાઢવા માટેનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જો કે, બેંકો જે ગુંડાઓને રોકે છે તેને ક્રાઇમ બ્રાન્ચ છોડવાના મૂડમાં નથી. હાલમાં પકડાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેમના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દરમિયાન સુરતમાં સેંકડો યુવાનો બેંકોના ગુંડાઓના ત્રાસથી આપઘાત કરવા પ્રેરાતા હોવાની માહિતી બહાર આવી છે. તેમાં ટુ વ્હીલરની ફ્રોડ આરસી બુક બનાવવા માટે પંદર થી પચ્ચીસ હજાર જયારે ફોર વ્હીલર માટે પચાસ હજાર રૂપિયા આ ગેંગને આપવામાં આવતા હતાં. 200 જેટલા વાહનોની ફ્રોડ આરસી બુક બનાવી હોવાની કબૂલાત આ ગેંગ દ્વારા કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ડભોલી ગામ પાસે રહેતો અંકિત વઘાસિયા નામનો શખસ પોતાના રહેણાંક ફ્લેટ પર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી ઓથિરિટી/લાયસન્સ પરવાના વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડ વાળી નકલી આરસી બુક બનાવે છે.

જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના ફ્લેટ પર રેડ કરીને તપાસ કરી હતી જ્યાંથી પોલીસે નકલી સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક બનાવા માટે ઉપયોગમાં લેવામાં આવી સ્માર્ટ કાર્ડ વાળી 370 નંગ આરસી બુક, કોમ્યુટર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિતનો કુલ 92,610 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મામલે પાલ આરટીઓ ખાતે ખરાઈ કરાવતા આરોપી પાસેથી મળી આવેલી સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક તેઓના રેકોર્ડ રૂમમાંથી ચોરી થઇ હોવાનું બહાર આવતા આ મામલે ગુનો દાખલ કરી આ સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની ભૂમિકા

(1) અંકિત વઘાસીયા (નકલી આર.સી બુક બનાવનાર): એમ-પરિવહન વેબસાઈટની મદદથી જરૂરી ડેટા મેળવી આરટીઓ એજન્ટ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પટેલે ચોરી કરી લાવેલી સ્માર્ટ બુકનું લખાણ પેટ્રોલ વડે ભૂંસી નાંખી કોમ્યુટર અને પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી નકલી આરસી બુક બનાવી હતી

(2) જીતેન્દ્ર ભાઈ પટેલ ઉર્ફે જીતુ (આરટીઓ એજન્ટ): આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા હોય જે કામ માટે સુરત પાલ આરટીઓ કચેરી ખાતે જવાનું થતું હોવાથી તકનો લાભ લઈને આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની આરસીબુક ચોરી કરી લાવી તેને નકલી આરસી બુક બનાવવા માટે આરોપી અંકિતભાઈ વઘાસીયાને આપતા હતા.

તેમજ નકલી આરસી બુક બન્યા બાદ તેને જૂની ગાડી લેવેચ કરતા આરોપી સવજીભાઈ ડાભીને આપી બાદમાં નામ ટ્રાન્સફર કરવા માટે આરટીઓ એજન્ટ તરીકે તેઓ પાસેથી નકલી આરસીબુક વાળા ડોક્યુમેન્ટ લઈને આરટીઓ કચેરી ખાતે નામ ટ્રાન્સફર કરાવવા માટે આવતા.

(3) સવજીભાઈ મોહનભાઈ ડાભી (જૂની ગાડી લે-વેચ): જૂના વાહનો ખરીદ કરવા આવતા ગ્રાહકોને ગાડી વેચાણ કરતી વખતે નકલી આરસી બુક બતાવી તે આરસી બુક અસલી હોવાનું કહી વિશ્વાસ આપી નામ ટ્રાન્સફર કરવા માટે બીજા જરૂરી કાગળો લઈને આરટીઓ એજન્ટ મારફતે નામ ટ્રાન્સફર કરાવવા મોકલી આપતા હતા.

(4) અશોક ઉર્ફે બાલો કાછડિયા અને સતીષ એલૈયા જિલ્લા (વાહન સીઝર): આ બંને આરોપીઓ ફાયનાન્સ (લોન) વાળા વાહનો જેના હપ્તા બાઉન્સ થયા હોય તેવા વાહનો રીકવર કરી તેને બેંક કે ફાયનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી મૂકી બાદમાં તેને જૂની ગાડી લે-વેચ કરતા ડીલર્સને વેચાણથી આપી છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
આરોપીઓ ભેગા મળીને ફાયનાન્સ (લોન) વાળા વાહનો જેના હપ્તા બાઉન્સ થયા હોય તેવી ગાડીઓ સીઝ કરીને તેને બેંક કે ફાયનાન્સ કંપનીમાં જમા કરાવવાના બદલે લોન સેટલમેન્ટ કરાવી એન.ઓ.સી. મેળવી તેને ગ્રાહકોને વેચાણ કરવા માટે નકલી આરસી બુક બનાવવા સારું સુરત પાલ આરટીઓના રેકોર્ડ રૂમમાં જમા થયેલી આરસી બુક ચોરી કરી તેનું લખાણ પેટ્રોલથી ભૂંસી નાંખી તેના પર કોમ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર વડે પ્રિન્ટ કરીને નકલી આરસી બુક બનાવી ગ્રાહકોને વાહન વેચાણ કરતી વખતે તેને નકલી આરસી બુક અસલ હોવાનું કહી નામ ટ્રાન્સફર કરાવવા માટે બીજા જરૂરી કાગળો લઈને આરટીઓ કચેરી ખાતે મોકલી આપતા જ્યાં નામ ટ્રાન્સફર થયા બાદ ગ્રાહકોને આરટીઓ તરફથી પોસ્ટ મારફતે અસલ આરસી બુક ઈશ્યુ થઇ જાય જેમાં નકલી આરસી બુક આરટીઓ કચેરીમાં જમા થઇ એટલે નકલી આરસી બુક કોઈના હાથમાં ના આવે અને આવી રીતે તમામ આરોપીઓ ભેગા મળી ગુનો આચરતા હતા.

Most Popular

To Top