Charchapatra

મેડિકલેઈમ પોલિસી : 18% જીએસટી , પ્રીમિયમમાં સતત વધારો

આજે બદલાતી જીવન શૈલીને કારણે કોઈપણ વ્યક્તિને ઓચિંતી આવેલી માંદગી સામેનું સુરક્ષા કવચ મેડીક્લેમ પોલિસી ખૂબ જ જરૂરી બની ગયું છે. મેડીક્લેમ પોલિસી પર 18% જીએસટી ના દરો લાગુ પડવાને લીધે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લેવાનું દ્હોયલું બની ગયું છે. બીજું કે કોઈપણ વીમા કંપની દ્વારા પ્રીમિયમ દરોમાં સતત વધારો થતો રહ્યો છે. આ બધા પર નિયંત્રણ લાવવું જરૂરી બન્યું છે. ડેન્ટલ કેરનો પણ વીમા પોલિસીમાં સમાવેશ થતો નથી. તે અંગેની  સારવારના વિમાનું પેમેન્ટ મળતું નથી. પોલીસી લીધા પછી પણ અમુક જ ટ્રીટમેન્ટ નું વળતર મળતું હોય છે. અને કેટલીક વાર તો કંપનીઓ જરૂરી ક્લેઈમ પાસ કરવામાં પણ ઠાગાઠૈયા કરતી જોવા મળે છે. અને હોસ્પિટલો વાળા પણ મેડીક્લેમ હોય તો તે પ્રમાણેના બીલો બનાવતા જોવા મળે છે. છેવટે ભારણ તો જે તે વ્યક્તિ પર જ આવે છે. વીમા કંપનીઓ અને સરકાર આ દિશામાં વિચારે એ જરૂરી છે.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આટલું બધું બનાવટી કયાં સુધી?
ભારત સ્થિત એક MNC માં એવો નિયમ કે કર્મચારીએ વર્ષાંતે મેડિકલ ચેક અપ કરાવી સર્ટિ રજૂ કરવું. મી. એક્સએ પણ ચેક અપ કરાવ્યું. બદનસીબે રિપોર્ટ નેગટીવ હતો. એણે ડૉક્ટરને વિનવણી કરી કે થોડા પૈસા લઈ લો પણ મને પોઝિટિવ રિપોર્ટ આપો. ડોક્ટરે સહેજ પણ આનાકાની વિના પૈસા લઈ રિપોર્ટ બદલીને બનાવટી રિપોર્ટ આપ્યો. મી. એક્સ પૂર્વવત નોકરી કરવા લાગ્યા પણ ૩,૪ માસ બાદ એનો આત્મા ડંખ્યો અને એણે ડૉક્ટરને ફરી રિપોર્ટ બદલી મૂળ રિપોર્ટ આપવા કહ્યું. ડોક્ટરે કહ્યું, તમે પહેલાંવાળો રિપોર્ટ લઈ જાવ કે આ લઈ જાવ બધું સરખું જ છે, કારણ કે મારી ડિગ્રી પણ બનાવટી જ છે. વાત થઈ. મી. એક્સ ફરી કંપની CEOને મૂળ રિપોર્ટ આપવા ગયા. CEOએ એને ચિંતા ન કરવા કહ્યું, કારણ કે એમની ડિગ્રી પણ બનાવટી જ હતી. એટલું જ નહીં, જે યુનિવર્સિટીમાંથી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી હતી એ યુનિ. પણ બનાવટી હતી અને વાઇસ ચેનસેલર પણ fake એટલે બનાવટી હતા. આમ આખું વિશ્વ બનાવટ પર ચાલે છે. તેમાંય ભારતમાં બધું જ બનાવટી. થોડે થોડે અરસે સમાચાર આવે કે મસાલા બનાવટી નીકળ્યા, દૂધ બનાવટી નીકળ્યું. દવા બનાવટી નીકળી. એવું તો નહીં થાય ને કે માણસ એક દિવસ બનાવટી જન્મે? સાધુ સંતો તો બનાવટી છેજ. ભક્તો પણ બનાવટી. સાચા સંતો ક્યાં બહાર આવે છે અને એમનાં ભક્તોની સંખ્યા કારોડોમાં નથી હોતી. નથી એમની પાસે ભિન્ન ભિન્ન સ્થળે આશ્રમો કે અબજો રૂપિયાની સંપત્તિ. હવે તો ચહેરા, ભાષા, શબ્દો, સ્મિત, લાગણી બધું જ બનાવટી. જોઈએ આ બધું ક્યાં સુધી ચાલે.
બારડોલી -વિરલ વ્યાસ.  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top