Charchapatra

માત્ર અઢાર વર્ષની ઉંમરમાં જીવન કુરબાન કરનાર ક્રાંતિવિર ખુદીરામ

ભારતીય ક્રાંતિવિર ખુદીરામને ફાંસીની સજા થઈ. ફાંસીનો દિવસ 11 ઓગસ્ટ, 1908 નક્કી કરી દેવામાં આવ્યો. સજા સંભળાવતા સમયે જ્યારે ખુદીરામને પૂછવામાં આવ્યું કે શું તારી સફાઈમાં કંઈ કહેવા ઈચ્છે છે, ત્યારે ખુદીરામે ભરી અદાલતમાં પહાડ જેવા અવાજે કહ્યું, કે હું મારા દેશવાસીઓને બોંબ બનાવવાની વિધિ બનાવવા ઈચ્છું છું, જેથી તેના દ્વારા તૈયાર કરેલા બોંબથી અંગ્રેજો બિસ્તરા-પોટલા બાંધીને ખૂબ ઝડપથી હિંદુસ્તાનમાંથી ઉચાળા ભરે. 11 ઓગસ્ટ, 1908ની સવાર… ખુદીરામને ફાંસીના માંચડા પાસે લઈ જઈ ઊભા કરી દીધા. હાથમાં ગીતા અને હોઠ પર હાસ્ય ખુદીરામનો ચહેરો પરમ સંતોષની ભાવનાથી પુલકિત થઈ ઉઠયો હતો.

આત્મ-સંતોષની એ રેખા સ્પષ્ટ કહી રહી હતી કે ભારતમાતાની મુક્તિ માટે તેમનું આ બલિદાન કદી એળે નહીં જાય. માંચડા પર ઉભા રહીને તેમણે મોટેથી ત્રણ વાર ‘વંદે માતરમ્’ નો ઉચ્ચારણ કર્યો. થોડા સમયમાં જ ખુશીરામનો નિષ્પ્રાણ દેહ ફાંસીના ફંદામાં ઝૂલવા લાગ્યો. ખુદીરામ બોઝને શહીદ થયે, હવે અનેક વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ દેશની સ્વતંત્રતા માટે પોતાનું અમૂલ્ય જીવન અર્પિત કરવાવાળા આ કિશોરની યાદ, આજે પણ દેશભરમાં બહુ સન્માન અને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. માત્ર અઢાર વર્ષની ઉંમરમાં જ પોતાના જીવનની કુરબાની આપનાર નવયુવક, ભારતીય સાધીના સંગ્રામના ઈતિહાસમાં, પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંક્તિ કરી, હંમેશા હંમેશા માટે અમર થઈ ગયા. ધન્ય છે ખુદીરામને!
સુરત     – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top