SURAT

વરાછામાં ધક્કો મારી ચોર બુલેટ ચોરી ગયા, સીસીટીવી આવ્યા સામે

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાંથી એક રોયલ એનફિલ્ડ બુલેટ ચોરાઈ છે. બુલેટ ચોરાઈ તેના કરતાં તે કઈ રીતે ચોરાઈ તે ચર્ચાનો વિષય બન્યો છે. ચોરોએ બુલેટને એવી રીતે ચોરી કરી કોઈને ભનક સુદ્ધાં આવી નહીં.

  • વરાછાની સપના સોસાયટીમાંથી બુલેટ ચોરાઈ
  • બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઈક પર બેસીને ધક્કો માર્યો

સામાન્ય રીતે બુલેટ તેના સાયલન્સરના અવાજ માટે જાણીતી છે. બુલેટ રસ્તા પરથી પસાર થતી હોય તો તેના સાયલન્સરનો અવાજ દૂરથી જ સંભળાતો હોય છે અને લોકો જોતા રહે છે, પરંતુ વરાછામાં બે ચોર ઈસમો રાતના અંધારામાં બિલકુલ અવાજ કર્યા વિના ચૂપચાપ બિલ્લી પગે બુલેટ ચોરી ગયા હતા. ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ચોરોએ બુલેટ ચોરવા માટે કેવી ટ્રીક અજમાવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઈકની ચોરી થઈ હતી. વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રીના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી. બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઈક પર બેસીને ધક્કો માર્યો હતો. બે ઈસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ કરી છે. લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઇ લાઠીયા ઈલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગઈ તા. 7 ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યે બુલેટ બાઈકને ઘરની સામે પાર્ક કરી હતી. સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી. બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી છે.

બુલેટ બાઈક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય. બીજી બાઇકથી ધક્કો મારીને આ બાઈકને સોસાયટીની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ બુલેટ બાઈકને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top