નવી દિલ્હી: પાછલા ઘણા દિવસથી ભારતનું સુંદર રાજ્ય કેરળ (Kerala) ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, કારણ કે અહીં ભારે વરસાદે તારાજી સર્જી છે. અસલમાં અહીં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન (Landslide) થયું હતું જેમાં 400થી વાધુ લોકોના મોત થયા હતા. જો કે હાલ પરિસ્થિતિ થોડી સુધરતા આજે શનિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) કેરળના ભૂસ્ખલન પડિતોની મુલાકાતે પહોંચ્યા હતા.
પીએમ મોદી સવારે 11:15 વાગે કન્નુર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમજ બપોરે લગભગ 12.15 વાગ્યે પીએમ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી હતી. આટલું જ નહીં પણ વડાપ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ભૂસ્ખલન પીડિતોને મળશે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત બદલ વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે X પર લખ્યું હતું કે- PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલ વિનાશને જોશે ત્યારે તેઓ આ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ તરિકે જાહેર કરશે.
જણાવી દઇયે કે વડાપ્રધાનની વાયનાડ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે 2,000 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી હતી. અગાઉ 30 જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 226 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો હજી સુધી ગુમ છે. આ કુદરતી આફત દક્ષિણના રાજ્ય કેરળમાં હમણા સુધીની સૌથી મોટી કુદરતી આફત છે.
રહેણાંક અને કૃષિ બંને ક્ષેત્રોમાં મોટું નુકસાન
અગાઉ આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે કેરળ કેબિનેટ પેટા સમિતિ સાથે બેઠક યોજી હતી અને વિવિધ બચાવ કામગીરી, રાહત શિબિરો, શબપરીક્ષણ, મૃતકોના સંબંધીઓને મૃતદેહ સોંપવા, અંતિમ સંસ્કાર, ડીએનએ નમૂનાઓનો સંગ્રહ અને ગુમ થયેલા લોકોની વિગતો અંગે ચર્ચા કરી હતી. જ્યારે રાજ્ય સરકારે પણ આ અંગે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય ટીમને જાણ કરી છે કે વાયનાડના ચુરામાલા, મુંડક્કાઈ અને પુનચિરી મટ્ટમ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર બંનેને મોટું નુકસાન થયું છે.