National

‘આઝાદી કી સુબહ કી પહેલી ચાય..’- સિસોદિયાએ પત્નિ સાથે ફોટો શેર કરી લખ્યું મજાનું કેપ્શન

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ગઇકાલે શુક્રવારે જામીન (Bail) મળ્યા હતા. ત્યારે 17 મહિના બાદ જેલમાંથી મુક્ત થતાની સાથે જ તેમના કાર્યકરોએ તેમને વધાવી લીધા હતા. દરમિયાન સિસોદિયા (Manish Sisodia) પણ ખુબ ભાવુક થઇ ગયા હતા. તેમજ આઝાદીને પહેલી સવારે એટલે કે આજે શનિવારે સવારે તેમણે પત્ની સાથેની એક તસવીર શેર કરી હતી.

સિસોદિયાએ શેર કરેલા ફોટામાં પતિ-પત્ની ચા પીતા જોવા મળે છે. ત્યારે સિસોદિયાએ ફોટા સાથે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, આઝાદીની સવારે પહેલી ચા… 17 મહિના પછી! આઝાદી કે જે બંધારણે આપણા બધા ભારતીયોને જીવનના અધિકારની ગેરેંટી તરીકે આપી છે, તે જ આઝાદી ભગવાને આપણને દરેક વ્યક્તિ સાથે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે આપી છે.

મનીષ સિસોદિયા દોઢ વર્ષ પછી ઘરે પરત ફર્યા
દોઢ વર્ષની લાંબી રાહ જોયા બાદ ગઇકાલે મનીષ સિસોદિયા ફરી એકવાર પોતાના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને મળ્યા હતા. ત્યારે તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ સિસોદિયાએ કહ્યું હતું કે હું સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે બંધારણની શક્તિનો ઉપયોગ કરીને સરમુખત્યારશાહીના મોઢે તમાચો માર્યો છે. બંધારણના કારણે આજે હું 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છું. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સરમુખત્યારશાહી સામે લડનારાઓને રક્ષણ આપ્યું છે. મારું આખું જીવન બાબાસાહેબ અને તેમના દ્વારા લખાયેલા બંધારણનું ઋણી છે.

જેલમાંથી છૂટ્યા બાદ સિસોદિયા સીધા કેજરીવાલના ઘરે પહોંચ્યા
તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સીધા મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેઓ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે જઇ તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના માતા-પિતાને મળ્યા હતા. આ દરમિયાન મનીષ સિસોદિયાને મળ્યા બાદ સુનીતા કેજરીવાલ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. ત્યાર બાદ મનીષ સિસોદિયાએ સીએમ અરવિંદ કેજરીવાલના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ લીધા હતા, અને તેમની તબિયત વિશે નોંધ લીોધી હતી. આ દરમિયાન તેઓ દિલ્હી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઈ હતી.

Most Popular

To Top