અમદાવાદઃ આજે તા. 9 ઓગસ્ટનો દિવસ ભારતીય રેલવે માટે ઐતિહાસિક બની ગયો છે. આજે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે 130 કિ.મી.ની સ્પીડે સડસડાટ દોડી છે. ટ્રેનનો રંગ અને કદ બંને બદલાઈ ગયા છે. સફેદ રંગની વંદે ભારતનો રંગ હવે ભગવો થયો છે અને ટ્રેનમાં 16ના બદલે 20 કોચ થઈ ગયા છે.
આજે 9 ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર 20 કોચવાળી નવી ભગવા રંગની વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઈજનેરોના માર્ગદર્શન અને નિરિક્ષણ હેઠળ ટ્રેન સફળતાપૂર્વક 130 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડે સડસડાટ મુંબઈ તરફ દોડી હતી.
ટ્રેનના ટ્રાયલની દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આરપીએફના જવાનોને તમામ એલસી ગેટ, અતિક્રમણ અને તૂટેલી અને ખૂટતી બેરિકેડીંગ સાઇટો પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર રૂટમાંથી લગભગ 50 ટકા એટલે કે 792 રૂટ કિમી પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં છે. આ સમગ્ર વિસ્તારમાં ઢોર વાડ અને દિવાલ ફેન્સીંગનું કામ લગભગ પૂર્ણ કરી દેવાયું હતું.
અમદાવાદથી જ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને દોડાવવામાં આવી હતી. સવારે 7 વાગ્યે ઊપડેલી ટ્રેન બપોરે 12:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચશે. એટલે કે 20 કોચની આ નવી ટ્રેન સવા પાંચ કલાકે મુંબઈ પહોંચી હતી.
જૂની વંદે ભારત કેટલી સ્પીડમાં દોડે છે?
ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેન ખૂબ ફેમસ છે. પ્રારંભમાં સફેદ રંગની 16 કોચ વાળી વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી. જે હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે 100ની સ્પીડ પર દોડે છે. તે વંદે ભારત ટ્રેન 5.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. નવી વંદે ભારત ટ્રેનની સ્પીડ 130 કિ.મી. પ્રતિ કલાક હોવાના લીધે 1 કલાકનો સમય બચશે તેવું અનુમાન છે.
મુંબઈ રૂટ પર પહેલાથી જ બે વંદે ભારત ટ્રેન દોડે છે
હાલમાં અમદાવાદથી મુંબઈ રૂટ પર 16-16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોને આ અંતર કાપવામાં લગભગ સાડા પાંચ કલાક લાગે છે. આ બંને ટ્રેનોને 100 ટકા ઓક્યુપન્સી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન આ બે શહેરો વચ્ચે દોડાવવામાં આવી શકે છે.