SURAT

“બાળકોની લાશો પર રાજકારણ નહીં”, તક્ષશિલાના પીડિત વાલીઓ કોંગ્રેસની ન્યાય યાત્રામાં નહીં જોડાય

સુરતઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 9 ઓગસ્ટના રોજ મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ન્યાય યાત્રા દ્વારા મોરબી, રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓના પરિવારજનોને સાથે રાખી કોંગ્રેસ ન્યાયની માંગણી કરનાર છે, ત્યારે સુરતમાં ન્યાય યાત્રા પ્રવેશે તે પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. વાલીઓએ કહ્યું કે, કોઈ પણ રાજકીય પક્ષો સાથે તક્ષશિલાના પીડિત વાલીઓને કોઈ સંબંધ નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ પોતાની લડતને રાજકારણનો રંગ આપવા માંગતા નથી. જોકે, વાલીઓએ કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

તક્ષશિલામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીના વાલી જયસુખ ગજેરાએ કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે તેમાં જોડાવા તક્ષશિલાના પીડિત વાલીઓને આમંત્રણ મળ્યુ છે. પરંતુ અમે બધાએ ભેગા મળી ન્યાય યાત્રામાં નહીં જોડાવાનો નિર્ણય લીધો છે. અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા માગતા નથી.

અમે અમારી લડાઈને રાજકીય મુદ્દો બનાવવા માગતા નથી. અમારી લડતમાં અમને સાથ આપવા વિનંતી કરીએ છીએ. અમારી લડતને રાજકીય રંગ આપી ડાયવર્ટ થવા દેવા માગતા નથી. અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી અમે અપીલ કરીએ છીએ. સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય તેવી અમે માગ કરીએ છીએ.

પીડિત વાલી હિતેષ ઘેવરીયાએ કહ્યુ કે, પાંચ વર્ષ અમે લડી રહ્યાં છીએ પરંતુ રાજકારણને અમે એન્ટ્રી આપી નથી. અમે અમારા સંતાનોના નામે રાજનીતિ વચ્ચે લાવવા માગતા નથી. અમે ન્યાયની લડત ચલાવીએ છીએ તેમાં સપોર્ટ આપનાર આવકારીએ છીએ. અમે ઝડપથી ન્યાય મળે તે માટે જ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા પીડિત પરિવારની એક જ વેદના છે કે અમને માત્ર ન્યાય અપાવો.

પીડિત વાલી ચતુર વસોયાએ કહ્યુ કે, અમારી એક જ માગ છે અને તે ન્યાયની માગ છે. અમને કોઈ પ્રલોભનમાં પડવું નથી. ન્યાય યાત્રાના નામે અમને ફોન આવે છે. રાહુલ ગાંધી સુરતમાં ઘણીવાર આવ્યા છે. ત્યારે અમને મળ્યા નથી. લાશો પર રાજકારણ કરવું નથી. અમારી લડત ચાલુ છે. ચાલુ રહેશે. અમે યાત્રામાં જોડાવાના નથી. આવા ધતિંગ બંધ કરીને સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માગ છે.

Most Popular

To Top