લક્ષ્મીપુરામાં બે પરિવાર વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
ખંભાત પોલીસે બન્ને પક્ષે થઇ 23 જેટલી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો..
ખંભાત શહેરના લક્ષ્મીપુરામાં બે પડોશી વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો અને સ્થિતિ વણસી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે પથ્થરમારો અને મારક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ખંભાત શહેર પોલીસે બન્ને પક્ષના 23 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.
ખંભાતના લક્ષ્મીપુરા મીલ પાસે રહેતાં મફતભાઇ મશરુભાઈ વાઘેલા (ઉ.વ.62)ને ટાવર પાસે રહેતા રમેશભાઈ પથાભાઈ વાઘેલા સાથે થોડા સમય અગાઉ બોલાચાલી થઇ હતી. જે તે સમયે આ ઝઘડો શાંત પડી ગયો હતો. પરંતુ 6ઠ્ઠી ઓગષ્ટના રોજ સવારના નવેક વાગે મફતભાઈ ખેતરમાં ગયાં હતાં. જ્યાં તેમના પૌત્ર રાકેશે ફોન કરી જાણ કરી કે, દસેક વાગે બુધાભાઈની દુકાને કરિયાણું લેવા ગયો હતો તે વખતે ગામના વિશાલ રમેશભાઈ વાઘેલા, હિતેશ રમેશ વાઘેલાએ હુમલો કર્યો હતો. આથી, મફતભાઈ તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સમયે ઘણા માણસોનું ટોળું હાજર હતું. રાકેશ પણ ત્યાં હાજર હતો. આ અંગે પુછતા રાકેશે જણાવ્યું હતું કે, કરિયાણું લેવા માટે આવ્યો હતો તે વખતે વિશાલ વાઘેલા તથા હિતેશ વાઘેલાએ તુ અમારી બાજુ કેમ આવે છે ? તારે અહીં નહીં આવવાનું તેમ કહી ઝપાઝપી કરી હતી. આ ઉપરાંત અન્ય વ્યક્તિએ લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. જેમાં પગના નળા પર, કપાળમાં મારી ઇજા પહોંચાડી હતી. જોકે, મફતભાઈના પરિવારજનો પણ સ્થળ પર આવતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. વાત વણસી જતાં બન્ને પરિવાર સામ સામે આવી ગયાં હતાં અને લાકડી સહિત મારક હથિયારો સાથે હુમલો કરવા ઉપરાંત પથ્થરમારો પણ કર્યો હતો.
આ અંગે ખંભાત શહેર પોલીસે મફતભાઈની ફરિયાદ આધારે વિશાલ રમેશ વાઘેલા, હિતેશ રમેશ વાઘેલા, રમેશ પથા વાઘેલા, અરવિંદ ભુપત વાઘેલા, અનિલ ઘનશ્યામ વાઘેલા, વિજય ફલજી વાઘેલા, ઘનશ્યામ સુરસંગ વાઘેલા, મનસુખ સવજી વાઘેલા, બળદેવ લાભુ વાઘેલા, કૈલાસબહેન ઘનશ્યામ વાઘેલા, બબીતાબહેન હર્ષદ વાઘેલા, હંસાબહેન અજય વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો. સામાપક્ષે વિજય વાઘેલાની ફરિયાદ આધારે રાકેશ રમણ વાઘેલા, અજય મનસુખ વાઘેલા, ફલજી મશરૂ વાઘેલા, રણજીત તળશી વાઘેલા, વિશાલ રણજીત વાઘેલા, ચિરાગ દલપત વાઘેલા, પંચા મશરૂ વાઘેલા, મફત મશરૂ વાઘેલા, દલપત પ્રેમજી વાઘેલા, હસમુખ મફત વાઘેલા અને રમણ મફત વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો.