Sports

ડિસ્ક્વોલિફાઈ થયા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડતાં હોસ્પિટલમાં એડમિટ કરાઈ, તસ્વીરો આવી સામે

નવી દિલ્હીઃ ભારત માટે ગોલ્ડ જીતવાની આશામાં પોતાનો જીવ જોખમમાં મુકી દેનારી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયા બાદ તબિયત બગડી છે. ભૂખી-તરસી રહેવાના લીધે વિનેશ ડિહાઈડ્રેશનનો ભોગ બની છે. સારવાર માટે વિનેશને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નિરાશ વિનેશ ફોગાટની તસ્વીરો સામે આવી છે.

વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી કારણ કે વિનેશની મહિલાઓની 50 કિગ્રાની રેસલિંગ કેટેગરીમાં વધુ વજન નોંધાયું હતું. 50 કિ.ગ્રા. વજનની કેટેગરીની મર્યાદાથી તે ચૂકી ગઈ હતી. તેણીનું 100 ગ્રામ વજન વધુ હતું, જેના લીધે તેણીને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી છે. આ સાથે જ વિનેશ અને 140 કરોડ ભારતીયોનું ગોલ્ડ જીતવાનું સપનું તૂટી કયું છે.

આ પહેલાં 50 કિ.ગ્રામ સુધીનું વજન મર્યાદા હાંસલ કરવા માટે વિનેશ ફોગાટે આત્યાંતિક પ્રયાસો કર્યા હતા. આખી રાત તે જાગી હતી. રાત્રે જમી નહોતી. માત્ર પાણી પીધું હતું. વાળ કાપી નાંખ્યા હતા. જેના લીધે વિનેશની તબિયત બગડી હતી. 29 વર્ષીય વિનેશને ભારે ડિહાઇડ્રેશન થયું હતું, જેના લીધે વિનેશને પેરિસની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી છે.

મીડિયા અહેવાલો સૂચવે છે. હાલમાં, વિનેશ ઓલિમ્પિક વિલેજના પોલીક્લીનિકમાં છે. તેની તબિયત સ્થિર છે. તે આરામ કરી રહી હોવાનું કહેવાય છે.

આ અગાઉ વિનેશે મંગળવારે રાત્રે પેરિસ ઓલિમ્પિકની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મુકાબલામાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઈતિહાસ રચ્યો હતો. આજે સવાર પહેલા તેણીને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હવે અયોગ્યતાને કારણે તે ખાલી હાથે પાછી આવશે.

Most Popular

To Top