Sports

ભૂખી રહી, વાળ કાપ્યાઃ વજન ઘટાડવા વિનેશ ફોગાટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ..

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાંથી વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ છે. ભારતની વિનેશ ફોગાટને 50 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠેરવવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીની ફાઇનલમાં ક્વોલિફાય થનારી દેશની પ્રથમ મહિલા બની હતી. પરંતુ આજે માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાના લીધે ડિસ્ક્વોલિફાઈ થતાં 140 કરોડ લોકો નિરાશ થયા છે. આ સાથે જ સમગ્ર રમતગમત સમુદાયને ભારે આંચકો લાગ્યો છે કારણ કે વિનેશને 50 કિલોગ્રામની મર્યાદા કરતાં આશરે 100 ગ્રામ વજન માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે.

વિનેશ ફોગાટ સામાન્ય રીતે 53 કિ.ગ્રા. કેટેગરીમાં ભાગ લે છે પરંતુ વિનેશે આ વખતે પેરિસ ઓલિમ્પિક્સમાં 50 કિ.ગ્રા. કેટેગરીમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. આ માટે વિનેશને વજન ઘટાડવું પડે તેમ હતું. વિનેશે વજન ઘટાડવા માટે આકરી તપસ્યા કરી હતી.

એક અહેવાલ મુજબ વિનેશે 50 કિલો વજનની કેટેગરીમાં રમવા માટે તેના વાળ કાપી નાંખ્યા હતા. એટલું જ નહીં વિનેશે પોતાની નસમાંથી થોડું લોહી કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં, વિનેશને યોગ્ય પરિણામો મળી રહ્યા નહોતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે તેનું વજન 1 કિલો વધી જતાં વિનેશે આવા આત્યંતિક પગલાં લેવા પડ્યા હતા. તે ભૂખી રહી. માત્ર પાણી પીધું. આ રીતે વિનેશે એક રાતમાં 900 ગ્રામ વજન ઘટાડ્યું પરંતુ છેલ્લું 100 ગ્રામ ઓછું કરી શકી નહીં.

ભારતીય કુસ્તીબાજ વિજય દહિયાએ કહ્યું કે, રમતવીરોને સામાન્ય રીતે એક નિશ્ચિત સમય આપવામાં આવે છે જેના દ્વારા તેઓએ તેમનું વજન સબમિટ કરવાનું હોય છે. દાખલા તરીકે, જો કોઈ ખેલાડીનું વજન 8:05 PM પર કરવામાં આવે છે અને તેનું વજન વધારે હોવાનું જણાય છે, તો સત્તાધિકારી વજન ઘટાડવા માટે સમયમર્યાદા (ઉદાહરણ તરીકે PM 8:30) સુધીનો સમય આપે છે. જો કે, જો 8:31 PM પર વજન મર્યાદાથી વધુ રહે તો સુધારણાનો કોઈ અવકાશ નથી.

દહિયાએ ખુલાસો કર્યો કે આવા કિસ્સાઓમાં એથ્લેટ્સ પોતાનું વજન જાળવી રાખવા માટે સઘન સત્રોમાંથી પસાર થાય છે. ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતાએ ખુલાસો કર્યો કે વિનેશ મંગળવારે તેના બાઉટ્સ પૂરા કર્યા પછી સીધી ટ્રેનિંગ પર ગઈ હતી. વિનેશે ડિનર લીધું ન હતું. તે ભુખી રહી હતી. ત્યાર બાદ બુધવારે સવારે ફરી વિનેશે ટ્રેનિંગ શરૂ કરી હતી.

પેરિસ ઓલિમ્પિકમાં પહોંચતા પહેલા વિનેશે પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણીએ 50 કિગ્રા કેટેગરીમાં સ્પર્ધા કરવા માટે સખત પ્રયાસો કર્યા હતા. તેના કોચે તો ખુલાસો કર્યો હતો કે તે ઓલિમ્પિક પહેલા વિનેશના વાળ કાપવા માંગતા હતા. જેથી 50 ગ્રામ વજન ઘટાડવામાં મદદ મળે. પરંતુ, તેણે તેમ કર્યું ન હતું. જોકે, પેરિસ ઓલિમ્પિકમાં પહોંચ્યા બાદ વિનેશે પોતે વાળ કાપવા પડ્યા હતા.

Most Popular

To Top