તા. ૬ જાન્યુઆરી પહેલાં જગતમાં બહુ ઓછા લોકોએ ‘ક્યુએનોન’ નામના રહસ્યમય જૂથનું નામ સાંભળ્યું હશે. ૬ જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો જે રીતે કેપિટોલ બિલ્ડીંગ પર ત્રાટક્યા તેની પાછળ ‘ક્યુએનોન’ નામના ગુપ્ત તોફાની જૂથનો હાથ હોવાનું બહાર આવ્યું છે.
આ જૂથ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જ પ્રચારનો મારો ચલાવી રહ્યું હતું. તેના સંચાલકો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો હોવાનું કહેવાય છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા છે ત્યારથી ‘ક્યુએનોન’ (QAnon) જૂથના સંચાલકો જોરદાર પ્રચાર કરી રહ્યા છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન દ્વારા ગોલમાલ કરવામાં આવી છે, જેને કારણે ટ્રમ્પ જીતતા હોવા છતાં પણ તેમણે વ્હાઇટ હાઉસ છોડવું પડશે. આ પ્રચારના પ્રભાવથી હજારો અમેરિકનો તા. ૬ જાન્યુઆરીના રોજ કેપિટોલ બિલ્ડીંગમાં ઘૂસી ગયા હતા અને તેમણે ચૂંટણીનાં પરિણામો રદ્દ કરવાની માગણી કરી હતી.
હવે કેટલાક લોકોને ડર છે કે તા. ૨૦ જાન્યુઆરીના જ્યારે વિજેતા ડેમોક્રેટિક ઉમેદવાર સત્તાવાર રીતે પ્રમુખપદના શપથ લેશે ત્યારે ‘ક્યુએનોન’ જૂથના સભ્યો વ્હાઇટ હાઉસ પર આક્રમણ કરશે. તેમની યોજના સમગ્ર અમેરિકામાં ચૂંટાયેલી સરકાર સામે બળવો કરવાની છે. જો તેમને ગુપ્તચર તંત્રનો અને લશ્કરનો સાથ મળે તો તેઓ સરકારને ઉથલાવી પાડવા માગે છે.
‘ક્યુએનોન’ની આ શેખચલ્લીના ખ્વાબ જેવી યોજના સફળ થવાની નથી; પણ તેઓ અમેરિકામાં મોટા પાયે અંધાધૂંધી મચાવી દેવાની તાકાત જરૂર ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના પણ તેમને છૂપા આશીર્વાદ છે. છેલ્લા કેટલાક સમયથી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેરણાથી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (Make America Great Again-MAGA) નામની ઝુંબેશ ચાલી રહી છે, જેને ટૂંકમાં MAGA (‘માગા’) તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ‘માગા’ અને ‘ક્યુએનોન’ ભેગા થઈ જાય તો અમેરિકામાં નવાજૂની કરી શકે તેમ છે.
અમેરિકાનું મજબૂત ગુપ્તચર તંત્ર આ પ્રકારના તમામ ભેદી જૂથો ઉપર બારીક નજર રાખી રહ્યું છે. ૨૦૧૬માં અમેરિકાના સોશિયલ મીડિયામાં એક અફવા આગની જેમ ફેલાઈ ગઈ હતી કે વોશિંગ્ટન ડી.સી.ના એક પિઝેરિયામાં ચાલતું કુમળાં બાળકોનું જાતીય શોષણ કરવાનું ષડ્યંત્ર પકડાયું છે, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ટોચના સભ્યો ઉપરાંત વિશ્વના કેટલાક ધનકુબેરો પણ સંડોવાયેલા છે.
આ કૌભાંડને ‘પિઝાગેટ’ (pizza gate) તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ અફવા એટલી પ્રબળ હતી કે તેને પરિણામે હિલેરી ક્લિન્ટન માટે ભંડોળ એકઠું કરનારા એક નેતા પર રેસ્ટોરાંમાં ગોળીબાર પણ થયો હતો. તેના પરિપાકરૂપે ‘ફોરચાન’ અને ‘એઇટ કુન’ નામના મેસેજિંગ બોર્ડ પર ‘ક્યુ ક્લિયરન્સ પેટ્રિયોટ’ ના નામે સંદેશાઓ આવવા લાગ્યા, જેમાં જગતના ધનકુબેરો દ્વારા કેવી રીતે દુનિયાની વસતિ ઘટાડવાનું અને દુનિયાની પ્રજાને ગુલામ બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, તેની ચર્ચા ચાલુ કરવામાં આવી હતી. કરોડો અમેરિકનો આ વાત સાચી માનવા લાગ્યા હતા.
‘ક્યુ ક્લિયરન્સ પેટ્રિયોટ’ જૂથના સંચાલકનો દાવો હતો કે તે અમેરિકાની ગુપ્તચર સંસ્થાનો ટોચનો અધિકારી હતો અને તેના હાથમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ બાબતની સંવેદનશીલ માહિતી આવી ગઈ છે, જેમાં ડેમોક્રેટિક પક્ષના અનેક નેતાઓ સંડોવાયેલા છે. તેના દાવા મુજબ ‘ડીપ સ્ટેટ’ તરીકે ઓળખાતું અમેરિકાનું ગુપ્તચર તંત્ર આ ષડ્યંત્રને છાવરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ કાર્યમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને એલોન મસ્ક જેવા અબજોપતિઓ પણ સામેલ છે. અમેરિકાનું મેઇનસ્ટ્રીમ મીડિયા પણ અબજોપતિઓના ઈશારે નાચી રહ્યું છે. મીડિયા દ્વારા આ પ્રકારના કોઈ પણ ખબરને ‘કોન્સ્પિરસી થિયરી’ કહીને ઊતારી પાડવામાં આવે છે.
‘ક્યુ ક્લિયરન્સ પેટ્રિયોટ’ જૂથનો દાવો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ ષડ્યંત્રની માહિતી મળી ગઈ છે અને તેઓ તેને ખુલ્લું કરવાની તૈયારી કરી રહ્યા છે. તે દરમિયાન કોવિદ-૧૯ની મહામારી જાહેર કરવામાં આવી હતી. ‘ક્યુ ક્લિયરન્સ પેટ્રિયોટ’ જૂથની માન્યતા મુજબ કોરોના કોઈ મહામારી નથી પણ જગતની વસતિ ઘટાડવા માટે વેક્સિન આપવાનું ષડ્યંત્ર છે.
આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લોકડાઉન કરવાનો વિરોધ કર્યો હતો, પણ ડીપ સ્ટેટ આગળ તેમનું કાંઇ ચાલ્યું નહોતું. ત્યાં જ અમેરિકામાં ચૂંટણીઓ આવી ગઈ હતી. ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો કે ચૂંટણીમાં પોસ્ટ બેલોટમાં ગોલમાલ કરવામાં આવશે અને જો બાઇડનને ખોટી રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. હવે તા. ૨૦ જાન્યુઆરીના જો બાઇડન સત્તા સંભાળે તે પહેલાં તેઓ મરણિયા બનશે તેવું મનાય છે.
ઇન્ટરનેટની પરિભાષામાં ‘એનોન’ શબ્દનો અર્થ અનામી પોસ્ટર થાય છે, જેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવે છે. તેને અપલોડ કરનારાની ઓળખ ગુપ્ત રાખવામાં આવતી હોવાથી તેમને મિસ્ટર ‘ક્યુ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે અનામી જૂથને ‘ક્યુએનોન’ નામે ઓળખવામાં આવે છે. ક્યુએનોન કોઈ વ્યક્તિ નથી પણ ઘણી બધી વ્યક્તિઓનું જૂથ છે.
તેમની સાચી ઓળખ ક્યારેય બહાર આવતી નથી, પણ તેઓ અમેરિકાના ગુપ્તચર તંત્રની ખાનગી વાતો જાણવાનો દાવો કરે છે. તેમની થિયરી મુજબ રોથશાઇલ્ડ અને રોકફેલર જેવા અબજોપતિઓ એક ખાનગી ક્લબ ચલાવી રહ્યા છે, જેનો એજન્ડા દુનિયાને ગુલામ બનાવવાનો છે. આ અબજોપતિઓ દ્વારા બેન્કોનો ઉપયોગ કરીને સરકારો પર પોતાનો અંકુશ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ થિયરી મુજબ જગતના ટોચના અબજોપતિઓ મનુષ્યનાં બલિદાનો પણ ચડાવે છે અને તેમની ખાનગી મીટિંગોમાં મનુષ્યના લોહીની જયાફત પણ ઉડાવે છે. તેઓ દુનિયાના દેશોને અંદરોઅંદર લડાવે છે અને તેના થકી પોતાની શસ્ત્રોની ફેક્ટરીઓ ચલાવે છે. આ અબજોપતિઓ દ્વારા જ કોરોના નામની બનાવટી મહામારી પેદા કરવામાં આવી છે. તેનો ઉપયોગ કરી તેઓ રસી વેચી રહ્યા છે.
‘ક્યુએનોન’ જૂથનો પ્રારંભ અજાણ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયો હતો, પણ ટૂંક સમયમાં તેણે ટ્વિટર, ફેસબુક, યુટ્યૂબ અને વ્હોટ્સ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પણ હાઇજેક કર્યા હતા. તે વખતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં હતા અને તેમણે પોતે અનેક વખત કોન્સ્પિરસી થિયરીઓને માન્યતા આપી હોવાથી સોશિયલ મીડિયામાં ‘ક્યુએનોન’ ને મોકળું મેદાન મળ્યું હતું.
તેમની સામે સંખ્યાબંધ ફરિયાદો થઈ હતી, પણ તેમને હરકત આવી નહોતી. પ્રમુખપદની ચૂંટણી પહેલાં તો તેમણે જોરશોરથી પ્રચાર ચાલુ કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ડીપ સ્ટેટ સામે બળવો કરવાના છે, જેમાં તેમને લશ્કરનો પણ ટેકો મળવાનો છે. આ પ્રચાર જૂઠો સાબિત થયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા.
તેમણે જોરશોરથી પ્રચાર ચાલુ કર્યો હતો કે ચૂંટણીમાં ગોલમાલ કરવામાં આવી છે. આ પ્રચારને પરિણામે તેમના સમર્થકો કેપિટોલ બિલ્ડીંગ પર ત્રાટક્યા હતા. હવે ફેસબુક અને ટ્વિટર દ્વારા ‘ક્યુએનોન’ સાથે જોડાયેલાં ૭૦,૦૦૦ જેટલાં ખાતાંઓ રદ્દ કરવામાં આવ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાર્લર પણ બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં તેમના સમર્થકો મરણિયો પ્રયાસ કરી શકે છે. જો તેમની તાકાત વધુ હશે તો ૨૦ જાન્યુઆરી પહેલાં અમેરિકામાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.