Comments

ઉત્તમ ભજન

એક દિવસ પ્રાર્થના બાદ શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછયો, ‘ગુરુજી, તમે કહો છો કે રોજ સવાર સાંજ ભજન કરો,કરતા જ રહો તો ગુરુજી મને સમજાવો કે સૌથી સારું ભજન કોને કહેવાય અને કઈ રીતે કરવું જોઈએ?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, બધું ભૂલીને માત્ર અને માત્ર ભગવાનમાં મન પરોવાઈ જાય ત્યારે ઉત્તમ ભજન થાય.’ શિષ્યે આગળ પૂછયું, ‘ગુરુજી, માત્ર ભગવાન જ યાદ રહે અને મન તેમનામાં જ પરોવાયેલું રહે તેવી ઉત્તમ સ્થિતિ કઈ રીતે આવી શકે તે સમજાવો ને.’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, રોજ પ્રયત્ન કરતો રહે, સમય આવ્યે ચોક્કસ સમજાવીશ.’ થોડા વખત પછી ગુરુજી પોતાના થોડા શિષ્યો સાથે કોઈ કાર્યક્રમ માટે વિદેશ જવા નીકળ્યા.વિમાનની મુસાફરી હતી.રસ્તામાં વાતાવરણ બગડ્યું અને પાયલટે ઘોષણા કરી કે ‘આપણે ખરાબ વાતાવરણનો સામનો કરી રહ્યાં છીએ.કસોટી અઘરી છે.વાતાવરણ બહુ ખરાબ હોવાથી હેવી ટ્રબ્યુલનસનો સામનો કરવો પડશે ,બધા સેફટી બેલ્ટ બાંધીને બેસજો અને હિંમત રાખજો.’

આ ઘોષણા સાંભળી બધાં યાત્રીઓ ડરી ગયાં.જીવ તાળવે ચોંટી ગયા.બધા પોતપોતાના ભગવાનને યાદ કરવા લાગ્યા.ગુરુજી અને તેમના શિષ્યો પણ ભગવાનનું ભજન કરવા લાગ્યા.થોડો સમય સતત ડર અને હવે શું થશે? ની ચિંતામાં પસાર થયો.બધા સતત ભગવાનનું નામ લેતાં હતાં.ધીમે ધીમે વિમાન ખરાબ વાતાવરણની બહાર આવી ગયું ત્યારે બધાએ શાંતિનો શ્વાસ લીધો. વિમાને સહીસલામત લેન્ડીંગ કર્યું. ગુરુજી અને તેમના શિષ્યો તેમના ઉતારાના સ્થળે પહોંચી ગયા.રાત્રે ભોજન બાદ પ્રાર્થના કરી લીધા પછી બધા વાતો કરતા હતા ત્યારે ઉત્તમ ભજન વિષે પ્રશ્ન પૂછનાર શિષ્યે કહ્યું, ‘ગુરુજી, હું તો બહુ જ ડરી ગયો હતો.આ તો સારું થયું કે કોઈ દુર્ઘટના ન થઇ.

ભગવાને આપણને બચાવી લીધા.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, વિમાનમાં જયારે ખરાબ પરિસ્થિતિ નિર્માણ થઇ હતી ત્યારે તેં ભગવાનને યાદ કર્યા હતા?’ શિષ્યે કહ્યું, ‘અરે, ગુરુજી આવા સમયે ભગવાન જ યાદ આવે ને? મેં તો સતત ભગવાનનું નામ લીધું હતું અને ભગવાને જ આપણને બચાવ્યા.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, યાદ છે તને, મેં થોડા દિવસ તને કહ્યું હતું ઉત્તમ ભજન એટલે સઘળું ભૂલીને ભગવાનને યાદ કરવા અને આજે તારા મનની પરિસ્થિતિ એવી હતી કે તેમાં તેં બધું ભૂલીને ભગવાનને યાદ કર્યા એટલે આજે વિમાનમાં જે રીતે ભજન કર્યું તે હતું ઉત્તમ ભજન.રોજ આ રીતે જ ભજન કરવું જોઈએ.’ ગુરુજીએ બરાબર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top