SURAT

રૂલ લેવલથી ઉકાઈની સપાટી પોણો ફૂટ દૂર, ઉકાઈ ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલાયા

સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત રહેતા ડેમમાં 98 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેને પગલે ડેમ રૂલ લેવલથી પોણા ફૂટ દૂર રહેતા ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે.

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલાં ચોવીસ કલાકમાં પણ આ રીતે વરસાદ યથાવત રહ્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેઝ સ્ટેશન પૈકી યેરલીમાં 15 મીમી, નંદુરબારમાં 13 મીમી, ખેતીયામાં 14 મીમી, નિઝરમાં 17 મીમી, અક્કલકુવામાં 12 મીમી, ડોસવાડામાં 21 મીમી, ઉકાઈમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. જેને પગલે હથનુર ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈ ડેમમાં દિવસભર 98 હજાર ક્યુસેક પાણીની આવક હતી. આશરે એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવકથી ડેમની સપાટી વધીને 334.27 ફૂટે પહોંચી હતી. જે રાત સુધીમાં રૂલ લેવલ 335 ફુટ સુધી પહોંચવાની હતી. જેને પગલે તંત્ર દ્વારા સતર્કતકાના ભાગે ઉકાઈ ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. પ્રકાશા ડેમમાંથી 74 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

શહેરમાં આજે છુટાછવાયા વરસાદી ઝાપટા વચ્ચે સૂર્યનારાયણ દેખાયા
સુરત જિલ્લામાં ઘણા સમયથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં લગભગ અઠવાડિયાથી સૂર્યનારાયણ કાળાડિબાંગ વાદળોની પાછળ ઢંકાયા છે. પરંતુ આજે શહેરમાં છુટાછવાયા વરસાદની સાથે સાથે સૂર્યનારાયણ દેવએ પણ તડકો પાથર્યો હતો. જિલ્લામાં આજે ઉમરપાડામાં 5 મીમી, માંડવી અને કામરેજમાં 2-2 મીમી, બારડોલીમાં 4 અને ચોર્યાસીમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

  • ઉકાઇ ડેમની સ્થિતિ અંગે ગત 29 જૂનની સ્થિતિએ આજની સ્થિતિની સરખામણી
  • ગત 29 જૂન આજે
  • સપાટી-305.40 ફૂટ 329.27 ફૂટ
  • ડેમમાં આજ લગી કુલ 3222 એમસીએમ પાણી આવ્યુ (અડધો ડેમ ભરાય તેટલુ)
  • સપાટી 19 ફૂટ વધારો

Most Popular

To Top