નવસારી, ઘેજ, બીલીમોરા : ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે ગત રાત્રે નવસારી જિલ્લાની અંબિકા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થતા બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેથી રાત્રે જ ગણદેવી તાલુકાઓના 966 લોકો અને ચીખલી તાલુકાઓના 291 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે સવારે પૂરના પાણી ઓસરી જતા કેટલાક લોકો તેમના ઘરે પરત ફર્યા હતા.
શનિવારે નવસારી જિલ્લાની અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થઇ રહ્યો હતો. જોકે સવારે ત્રણયે નદીઓના જળ સ્તરમાં ઘટાડો થતા જિલ્લા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ગત રોજ પણ દિવસ દરમિયાન જિલ્લાની ત્રણેય નદીઓના જળ સ્તર ભયજનક સપાટીથી થોડે ફૂટ જ દૂર હતું. જેથી જિલ્લા તંત્ર નદીઓના જળ સ્તર ઉપર ચાપતી નજર રાખી રહ્યું હતું. જોકે રાત્રે 8 વાગ્યે સુધી નદીઓના જળ સ્તરની સપાટી સારી હતી. પરંતુ ત્યારબાદ અચાનક કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થતા કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા 22 ફૂટે પહોંચી ગઈ હતી. તેમજ રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન કાવેરી નદી સાથે અંબિકા નદીના જળ સ્તરમાં ધરખમ વધારો થતા અંબિકા નદી ભયજનક સપાટી વટાવી જતા 32 ફૂટે પહોંચી ગઈ હતી. અને કાવેરી નદી 23 ફૂટે પહોંચી ગઈ હતી. તો પૂર્ણા નદી પણ 21 ફૂટે પહોંચી ગઈ હતી. જોકે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી ન હતી. પરંતુ અંબિકા નદી અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા રાત્રી દરમિયાન જ ગણદેવી તાલુકામાં અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં પુરના પાણી ભરાયા હતા.
જેથી રાત્રી દરમિયાન જ ગણદેવી તાલુકાના વિવિધ ગામોના 966 નાગરિકોને જ્યારે ચીખલી તાલુકાના વિવિધ ગામોના 291 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતરિત કરેલા નાગરિકોને સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજનના 2000 જેટલા ફુડ પેકેટ, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.
જોકે સવારે 6 વાગ્યા બાદ અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો થવા લાગ્યો હતો. જેથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધીમાં પૂર્ણા નદી 17 ફૂટે અને કાવેરી નદી 12.50 ફૂટે વહી રહી હતી. પરંતુ અંબિકા નદી તેની ભયજનક સપાટીથી થોડે ફૂટ નીચે એટલે કે 25.25 ફૂટે વહી રહી હતી. જોકે અંબિકા નદી હજી પણ રેડ એલર્ટ પર હોવાથી જિલ્લા તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે.
પૂરમાં ફસાયેલી બીલીમોરા દેસરાની મહિલાની તબિયત બગડતા રેસ્ક્યુ કરાઈ
નવસારી : અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા ગણદેવી તાલુકામાં અને ચીખલી તાલુકામાં પૂરના પાણી ભરાયા હતા. જે પૂરના પાણીમાં બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી હેતવી નરેન્દ્રભાઈ પટેલની તબિયત બગડી હતી. જે બાબતે બીલીમોરા ફાયરની વિભાગની ટીમને જાણ કરતા બીલીમોરા ફાયર વિભાગની ટીમ દ્વારા હેતવી પટેલને બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
રવિવારે રાત્રે અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવતા કાંઠાનાં ગામોમાં પાણી ફરી વળ્યાં
બીલીમોરા : ગણદેવી અને બીલીમોરામાં ધમાકેદાર મેઘમહેરને કારણે ધરતી તરબોળ થવા સાથે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે રાત્રે અંબિકા નદી ભયજનક 28 ફૂટને વટાવી 32.80 ફૂટ અને કાવેરી નદી ભયજનક 19 ફૂટથી ઉપર 23 ફૂટે વહેતા કાંઠાનાં ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. તંત્રએ મોડી રાત્રે ગણદેવી તાલુકામાં 966 પુરપીડિતોને સ્થળાંતર કરાવ્યા હતા.
અતિવૃષ્ટિને કારણે લોકમાતાઓએ કાંઠા વટાવતા ગણદેવીનાં સોનવાડી -13, તલીયારા-70, ભાઠા વાંગરી ફળીયા 7, ઉંડાચ વા.ફ. 7, બીલીમોરા વાડીયા શીપ યાર્ડ, માંદણ ફળીયા-138, દેસરા -41, ઉંડાચ લુહાર ફળીયા 60, દેવધા -160, તોરણગામ-90, અજરાઈ-10, ધમડાછા-12, વાઘરેચ ઘોલ ફળીયા-48, વાઘરેચ નાની માછીવાડ 57, અમલસાડ 35, ખખવાડા -40, સરીખુરદ -36, મોરલી-27 અને આંતલીયા-70 પુરપીડિતોને સ્થળાંતરિત કરાયા હતા. આ ઉપરાંત બીગરી ગામના દઢોરા ફળીયામાં 9 મકાનો સહિત ઠેકઠેકાણે પાણી ફરી વળ્યાં હતા.
ગણદેવી તાલુકામાં બીલીમોરા જલારામ માનવ સેવા ટ્રસ્ટ, દેવસર નવનાથ આશ્રમ અને ગ્રામ પંચાયતોનાં સૌજન્યથી 2 હજારથી વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા. દરમિયાન સોમવાર સવારે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, ડીડીઓ પુષ્પલતા અને પ્રાંત અધિકારી મિતેશ પટેલની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત યોજી હતી. તાલુકામાં સોમવારે શાળા કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા અપાઈ હતી. દરમિયાન નાંદરખા ગામે પુરમાં લાપતા અમિત લલ્લુભાઇ પટેલ (45) નો મૃતદેહ સોમવાર બપોરે કોતર માંથી મળી આવ્યો હતો. બીલીમોરા વલસાડી ઘોલમાં શંકર મગનભાઈ પટેલનાં મકાનની નળીયાવાળી છત ધરાશાયી થઈ હતી. ગણદેવીમાં 46 મીમી 2 ઇંચ સાથે 1564 મીમી એટલે કે 62.56 ઇંચ વરસાદ પડી ચુક્યો છે.
ચીખલીના હરણગામના ત્રીસથી વધુ ઘરોમાં પૂરના પાણી ઘુસી ગયા
ઘેજ : ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી રાત્રી દરમ્યાન ભયજનક સપાટી વટાવી ૨૩ ફૂટે પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે રાત્રી દરમ્યાન વરસાદનું પણ જોર ઘટતા સપાટી ઝડપભેર ઘટતા મોટી રાહત થઈ હતી. હરણગામ, ખૂંધ સહિતના સ્થળાંતર લોકો ઘરે પરત ફર્યા હતા. તાલુકામાં ત્રીજા દિવસે પણ છ માર્ગો બંધ રહ્યા હતા.
તાલુકામાં રવિવારના રોજ ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદને પગલે કાવેરી નદીની સપાટીમાં રાત્રી દરમ્યાન ઝડપભેર વધારો થયો હતો. અને બારેક વાગ્યાના અરસામાં તો ૨૩ ફૂટે પહોંચી હતી. આ દરમ્યાન કાવેરી નદીના કાંઠાના હરણગામના નદી ફળીયા, ડિસ્કો ફળીયામાં ત્રીસથી વધુ ઘરોમાં પુરના પાણી ઘુસી ગયા હતા.
આજ પ્રકારની સ્થિતિ ખૂંધ, ચીખલી અને સાદકપોરના ગોલવાડ વિસ્તારમાં પણ થતા નાયબ મામલતદાર વિજય રબારી, પીએસઆઇ સમીરભાઈ કડીવાલા સહિતના અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ધારાસભ્ય નરેશ પટેલે પુરની સ્થિતિમાં અધિકારીઓ, સરપંચો, આગેવાનો સાથે સંકલન સાધી નિગરાણી રાખવામાં આવી રહી હતી.
રાત્રી દરમ્યાન કાવેરી નદીના તટવર્તીય હરણ ગામમાં ૧૭૫, સાદકપોરમાં ૨૨, ખૂંધમાં ૫૪, ચીખલીમાં ૩૫ અને તલાવચોરામાં ૫ લોકોને સ્થળાંતરીત કરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકશાન વેઠવાની નોબત આવી હતી. ચીખલીમાં રાત્રી દરમ્યાન ૨.૦૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમ્યાન ફડવેલના ગોડાઉન ફળીયામાં કૌશિકા સોલંકીનું કાચુ ઘર બેસી ગયુ હતુ. જેની જાણ થતાં તાલુકા સભ્ય મહેશભાઇ, સરપંચ પતિ હરીશભાઈ સહિતના આગેવાનોએ પરિવારની મુલાકાત લીધી હતી. આ સાથે ચીખલીમાં સિઝનનો કુલ વરસાદ ૭૦.૭૨ ઇંચ થવા પામ્યો છે.
ત્રીજા દિવસે બંધ રહેલા માર્ગો
સોલધરા નાયકીવાડ રોડ, રૂમલા-નડગધરી રોડ, દોણજા નાનીખાડી, વેલણપુર એપ્રોચ રોડ, ફડવેલ ગામતળથી આંબાબારી રોડ, ટાંકલ હનુમાન ફળીયા રોડ ત્રીજા દિવસે પણ બંધ રહ્યા હતા.