(પ્રતિનિધિ) વડોદરા, તા.17
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે વડોદરાનું ન્યાય મંદિર શહેરના આત્મા સમાન છે,તેની સાથે નગરજનો ના ધબકાર જોડાયેલા છે ત્યારે ન્યાયમંદિરની ભવ્ય ઈમારતમાં શહેરની શાન સમાન સંગ્રહાલય બને તેવી લાગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરીશ.
ન્યાય મંદિરની ભવ્ય અને ઇતિહાસની આરસી જેવી ઈમારતમાં કલા અને સંસ્કૃતિના શહેર વડોદરાની શાન બની રહે તેવું સંગ્રહાલય બનાવવાની શક્યતાનો સંકેત આપતાં કાયદા અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે એ ઈમારતમાં જ યોજાયેલા કાર્યક્રમમાં કાયદા વિભાગ વતી આ ઇમારત માર્ગ અને મકાન વિભાગ – જિલ્લા પ્રશાસનને હસ્તાંતરીત કરી હતી.જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આ ઇમારત ના દસ્તાવેજ અને પ્રતીકાત્મક ચાવી સ્વીકારી હતી.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.પી. પટેલ તેમની સાથે જોડાયા હતા.
ઇતિહાસના આયના સમી ન્યાય મંદિરની ઈમારતમાં દશકાઓ સુધી અદાલત ચાલી ,તેની સાથે તેના ભવ્ય પરિસરમાં મહર્ષિ અરવિંદ, બંધારણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જેવા નરરત્નોના પ્રવચનો પણ યોજાયા એ ભવ્ય ઇતિહાસની યાદ અપાવતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ સ્થળે આગામી દિવસોમાં એક સમૃદ્ધ સંગ્રહાલય બને તેવી નગરજનોની લાગણીની નોંધ લીધી છે.
તેમણે આ ઇમારતની ભવ્યતા અને અદભૂત સ્થાપત્યની પ્રસંશા કરી હતી. તેમણે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કોરોનાના પડકાર સામે રાજ્ય સરકારે આપેલી સફળ લડતની વિગતો આપવાની સાથે,શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ તેમજ શ્રી કિર્તીભાઇ પરીખ અને ટીમ વડોદરાને આ સંવેદનશીલ બાબત રાજ્ય સરકારના ધ્યાને લાવવા માટે અભિનંદન આપ્યાં હતાં.
આ ઈમારતમાં ૪૦ કરતાં વધુ વર્ષો સુધી કરેલી સફળ વકીલાતના સંસ્મરણો વાગોળતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે મંત્રી જાડેજાએ અગાઉ વડોદરાને ટ્રાફિક મુક્ત વિસ્તારમાં વડી અદાલતને સમકક્ષ ભવ્યતા ધરાવતી જિલ્લા અદાલતની ભેટ આપી અને હવે તેમના લીધે શહેરની મધ્યમાં એક સમૃદ્ધ સંગ્રહાલય ની વધુ એક શાનદાર ભેટ મળશે.રાજ્ય સરકારે આ જે નિર્ણય લીધો એ લોક લાગણીને સંવેદનશીલતા દાખવીને માન આપવાની તત્પરતાની પ્રતીતિ કરાવે છે.
૧૮૯૬ માં નિર્માણ પામેલી આ ઈમારતમાં જ સ્વતંત્રતા પછી વડોદરા રાજ્યના ભારત સંઘમાં વિલીનીકરણનો સમારોહ યોજાયો હતો અને પ્રતાપસિંહ મહારાજે પ્રવચન કર્યું હતું. સયાજીરાવ મહારાજે માર્કેટના હેતુસર બંધાયેલી આ ઇમારતને ન્યાય મંદિર બનાવી એ દૂરંદેશીને તેમણે યાદ કરી હતી.સુરસાગરની ઐતિહાસિક શિવ પ્રતિમા સન્મુખ શહેરના હૃદય જેવી જગ્યાએ વધુ એક દર્શનીય સ્થળ વિકસશે એનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
ન્યાય મંદિરની ઇમારત એ વડોદરાની શોભા છે ,શહેરની શાન છે એવી લાગણી વ્યક્ત કરતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે આ ઐતિહાસિક ભવ્ય ધરોહરની જાળવણીમાં પ્રશાસન સાથે નાગરિકો સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. ડો.વિજય શાહે પ્રાસંગિક પ્રવચનમાં ન્યાય મંદિરનું ગૌરવ જળવાય એવો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ સુખડીયા,મનીષા બહેન વકીલ,શૈલેષ મહેતા,કેતન ભાઈ ઈનામદાર,સીમા મોહિલે, પૂર્વ મંત્રીશ્રી લાખાવાલા, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રી જાડેજા તેમજ મહાનુભાવોએ મહારાણી ચિમનાબાઈની પ્રતિમાને આદર ભાવ સાથે પુષ્પાંજલિ આપી હતી.